ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆત ફળીઃ વી.સી.ટેક હાઈસ્કૂલમાં વર્ગ-2ના આચાર્યની નિમણૂક

- text


5 વર્ષથી ખાલી પડેલી આચાર્યની જગ્યા અંતે ભરવામાં આવી

મોરબી : મોરબી તાલુકામાં આવેલી ધ વી.સી.ટેક. હાઈસ્કૂલ 100 વર્ષ કરતા વધુ જૂની મોરબીની આન, બાન અને શાન એવી એકમાત્ર સરકારી શાળા છે. જેમાં છેલ્લા 5 વર્ષથી રેગ્યુલર વર્ગ-2ના આચાર્યની જગ્યા ખાલી હતી. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆત બાદ ભદ્રસિંહ અર્જુનસિંહ વાઘેલાની આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આ હાઈસ્કૂલમાં મોરબીના ઓરપેટના સંસ્થાપક ઓ.આર.પટેલ, શિક્ષક તરીકે ફરજ બજાવી છે, ડો.જ્યંતીભાઈ ભાડેસીયા, ડો.સતિષભાઈ પટેલ જેવા અનેક ડોકટર તેમજ મોરબી પંથકની અનેક ગણ્ય માન્ય મહાનુભાવોએ અભ્યાસ કર્યો છે અને આજે જેમાં ધો.9 થી 12ના 1300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને મોટા ભાગના સરકારી કાર્યક્રમો આ સ્કૂલમાં થાય છે, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન અને વ્યવસ્થાપન આ સ્કૂલમાંથી થાય છે.

- text

ઈન્ચાર્જ આચાર્ય અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા ઈન્ચાર્જના પણ ઈન્ચાર્જ આચાર્યથી વી.સી.હાઈસ્કૂલનો વહીવટ ચાલતો હતો. છેલ્લા પાંચ વર્ષથી આ હાઈસ્કૂલમાં રેગ્યુલર વર્ગ-2 ના આચાર્યની જગ્યા ખાલી હતી. આ શાળામાં અભ્યાસ કરતા 1300 જેટલા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતોને ધ્યાને લઈ મોરબીના જાગૃત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા રજુઆત કરાઈ હતી. જેને ધ્યાને લઇ વી.સી. ટેક. હાઈસ્કૂલમાં વર્ગ-2ના અને હાલ કમિશનર કચેરી ગાંધીનગર ખાતે વિષય નિષ્ણાંત તરીકે ફરજ બજાવતા ભદ્રસિંહ અર્જુનસિંહ વાઘેલાની આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. લાંબા સમય બાદ વી.સી.હાઈસ્કૂલમાં રેગ્યુલર આચાર્ય મળતા કાંતિભાઈ અમૃતિયા અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરનો અને શિક્ષણ વિભાગનો સમગ્ર વી.સી.હાઈસ્કૂલ પરિવારે આભાર વ્યક્ત કર્યો છે.

- text