ભારતની આશરે કુલ ૧૪૦ કરોડથી વધુની વસતીમાં ૮૧ કરોડથી વધુ લોકો ૩૫ વર્ષની નીચેના છે : વિશ્વ બેન્ક

આજે વિશ્વ યુવા કૌશલ્ય દિવસઃ વર્ષ ૨૦૨૪ની થીમ “શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્ય”

મોરબી : આદિકાળથી લઈને આજ સુધી, વિશ્વમાં બધી જગ્યાએ યુવાનોનો મહિમા કાયમ રહ્યો છે. યુવાનો એ દેશનું વર્તમાન હોય છે અને તેઓ દેશના ભવિષ્યને ઉજ્જવળ અને સોનેરી બનાવી શકે છે. પરંતુ તેના માટે યુવાનો કૌશલ્યથી ભરપૂર હોય તે જરૂરી છે. યુવાનોને કૌશલ્યવાન બનાવવાનું મહત્ત્વ વિશ્વના દેશો સમજે તથા તેને વધુ વેગ મળે તેવા હેતુથી સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ વર્ષ ૨૦૧૪માં ૧૫મી જુલાઈને વિશ્વ યુવા કૌશલ્ય દિવસ (વર્લ્ડ યૂથ સ્કીલ ડે) તરીકે જાહેર કર્યો છે. ત્યારથી વિશ્વના વિવિધ દેશમાં આ દિવસની ઉજવણી થાય છે.

વર્ષ ૨૦૨૪ના વિશ્વ યુવા કૌશલ્ય દિવસની થીમ છે “શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્ય”. સામાન્ય રીતે આ દિવસે યુનાઈટેડ નેશન્સ દ્વારા વિવિધ વિશેષ ઈવેન્ટ યોજવામાં આવે છે. ઉપરાંત અન્ય કાર્યક્રમો પણ થતા હોય છે. જે વિશ્વના બદલતા પરિદ્રશ્યમાં યુવાનોના કૌશલ્ય ઘડતરની દિશા પૂરી પાડે છે.

હાલમાં વિશ્વમાં એ.આઈ. (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)નું મહત્ત્વ વધ્યું છે અને એ.આઈ.ના કારણે વિશ્વમાં માત્ર ટેક્નોલોજી જ નહીં, પરંતુ અનેક બાબતો બદલાવા જઈ રહી છે. આથી ગ્લોબલ સ્કીલ એકેડમી દ્વારા ૧૫મી જુલાઈએ “એ.આઈ.સ્કીલ ફોર ધ ફ્ચૂયર વર્ક” વિષય પર ઓનલાઈન સેશન યોજવામાં આવશે.

વર્તમાન સમય એ યુવાનોનો સમય છે. સમગ્ર વિશ્વમાં હાલમાં ભારત દેશમાં યુવાનોની સંખ્યા વધુ છે. વિશ્વ બેન્કના એક અંદાજ મુજબ, ભારતની આશરે કુલ ૧૪૦ કરોડથી વધુની વસતીમાં ૮૧ કરોડથી વધુ લોકો ૩૫ વર્ષની નીચેના છે. આમ ભારત હાલ યુવાનોનો દેશ છે. સમગ્ર વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારત દેશ ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે.

દેશના યુવાનોની શક્તિને પારખતા અને તેને કૌશલ્યવાન બનાવીને વિશ્વસ્તરે ભારતની પ્રગતિમાં યુવાનોની ભાગીદારી વધારવાના હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૫ જુલાઈ, ૨૦૧૫ના રોજ દેશમાં સ્કીલ ઈન્ડિયા મિશન લોન્ચ કરતાં, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરાવી હતી.

ગુજરાત રાજ્યમાં કૌશલ્ય વિકાસ તથા રોજગાર સર્જનને પ્રાધાન્ય આપવા ચાલુ વર્ષના બજેટમાં ગુજરાત સરકારે રૂપિયા ૨૬૫૯ કરોડની જોગવાઈ કરી છે. જેમાં આઈ.ટી.આઈ.ના નવા બાંધકામ તેમજ સુદ્રઢિકરણ માટે રૂપિયા ૨૯૯ કરોડ જેવી માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. અદ્યતન કુશળતા પ્રદાન કરવા હયાત પાંચ મેગા આઈ.ટી.આઈ. સાથે હવે છ વધુ આઈ.ટી.આઈ.ને મેગા આઈ.ટી.આઈ.માં રૂપાંતરિત કરવામાં આવશે. આ માટે રૂપિયા ૧૮૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.