મોરબીના આલાપ રોડ પર ઉભરાતી ગટરના પ્રશ્ને કોંગ્રેસ અને સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન 

- text


48 કલાકમાં ગટરની સમસ્યા હલ નહીં થાય તો કોંગ્રેસ દ્વારા મોરબી બંધની ચીમકી 

મોરબી : મોરબીમાં સમસ્યાઓનો રાફડો ફાટ્યો છે. પ્રજાના અનેક પ્રશ્નોનું નિરાકરણ આવી રહ્યું નથી. ત્યારે આજે મોરબીના આલાપ રોડ પર ઉભરાતી ગટરના પ્રશ્ને જન આક્રોશ જોવા મળ્યો હતો. કોંગ્રેસ અને લોકોએ રોડ પર ઉતરીને મોરબી નગરપાલિકા હાય હાયના નારા લગાવ્યા હતા અને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

આલાપ રોડ પર ઉભરાતી ગટરના પ્રશ્ને આજે રહેવાસીઓ અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રોડ ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

આ અંગે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રજાએ મોરબી પાલિકાની તમામ સીટો ભાજપને આપી છે ત્યારે શું જનતાએ આવા દિવસો જોવા માટે ભાજપને મત આપ્યા હતા ? કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની વાતો ભાજપના નેતાઓ જ કરતા હતા ત્યારે તેઓએ પ્રજાની વચ્ચે આવવું જોઈએ અને પ્રજાના પ્રશ્નો બાબતે અવાજ ઉઠાવવો જોઈએ.

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ પણ જણાવ્યું હતું કે, હાલ મોરબીમાં તમામ વોર્ડમાં ગંદકી જોવા મળે છે અને સફાઈની કોઈ પણ સુવિધા જોવા નથી મળી રહી. મોરબીની વસ્તીના પ્રમાણમાં નગરપાલિકાના કર્મચારીઓ ઘણા ઓછા છે. મોરબીના એક પણ વોર્ડમાં કોઈપણ પ્રકારની સુવિધા લોકોને મળતી નથી પ્રજા ટેક્સ ભરે છે પરંતુ તેનો સદુપયોગ થતો નથી, માત્ર ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. 25 તારીખની આસપાસ થયેલું તમામ પેચકામ નિષ્ફળ ગયું છે. ત્યારે અમે વિરોધ પક્ષ તરીકે મોરબીમાં ક્યાંય પણ ગુણવત્તા વગરનું કામ થતું હશે ત્યાં અવાજ ઉઠાવીશું. પ્રજાને સાથે રાખીને આવનારા દિવસોમાં રોડ પર પણ ઉતરવાની તૈયારી દર્શાવી હતી.

મોરબી NSUIના પ્રમુખે જણાવ્યું હતું કે, પ્રજાની કોઈપણ રજૂઆત નગરપાલિકા દ્વારા સાંભળવામાં આવતી નથી તેથી લોકો કોંગ્રેસ કાર્યાલય આવીને પોતાની સમસ્યાઓ જણાવી રહ્યા છે. જો 48 કલાકમાં ગટરની સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો તમે મોરબી બંધનું એલાન આપીશું અને ચક્કાજામ કરીશું.

સ્થાનિક પ્રવીણભાઈએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, છેલ્લા આઠ મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે. આ જે કુંડી ઉભરાય છે તે છેલ્લી કુંડી છે પછી આગળ કુંડી ન હોવાથી ગટર ઉભરાઈ રહી છે. પાલિકા દ્વારા ખોટા ખેલ કરીને જ્યાં આવે ત્યાં ખોદકામ કરી દેવામાં આવે છે.

અન્ય સ્થાનિકોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનવા જઈ રહેલી મોરબી પાલિકા કોઈપણ પ્રકારનું ધ્યાન આપતી નથી. કર્મચારીઓ અને અધિકારીઓ કોઈપણ પ્રકારનું કામ કરતા નથી. તેથી તેઓને વીઆરએસ દઈ દેવું જોઈએ. સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, આ ગટર છેલ્લા ઘણા દિવસથી ઉભરાઈ રહી છે. વરસાદ આવે ત્યારે અહીંયા ચાલી શકાય તેવી સ્થિતિ પણ હોતી નથી. વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બનવાને લાયક જ નથી.

- text

- text