બોલો લ્યો નગરપાલિકા ઇન્કમટેક્સ માટે વેરો ઉઘરાવે છે ! પાલિકાના એન્જીનિયરની બાલિશતા

- text


આલાપ રોડ ઉપરની સોસાયટીઓના ભૂગર્ભ ગટર ઉભરાવા પ્રશ્ને કોંગ્રેસ અને સ્થાનિકોના વિરોધ બાદ ઐતિહાસિક પ્રેસ કોન્ફરન્સ યોજતી પાલિકા

મોરબી : મોરબીમાં ઉભરાતી ભૂગર્ભ ગટરનો પ્રશ્ન કાયમી બન્યો છે ત્યારે આલાપ સોસાયટી રોડ ઉપર છેલ્લા ત્રણ મહિનાથી ઉભરાતી ગટરના પ્રશ્નથી ત્રસ્ત બનેલા લોકોએ કોંગ્રેસનો સાથ મેળવી રવિવારે વિરોધ પ્રદર્શન કરી નગરપાલીકા હાય હાયના નારા લગાવતા જ રાજકીય ઈશારે નગરપાલિકાના એન્જીનિયરે પત્રકાર પરિષદ યોજી નાખી હતી અને આલાપ સોસાયટીમાં પાલિકાની ભૂગર્ભ ગટર જ ન હોવાનો રાગ આલાપ્યો હતો. જો કે, ભૂગર્ભ પાલિકાએ નથી નાખી તો આટલા વર્ષ વેરો શા માટે લીધો તેવો સવાલ પૂછતાં એન્જીનિયરે પાલિકા ઇન્કમટેક્સ સહિતના વેરા ઉઘરાવતી હોવાનો બાલિશતા ભર્યો જવાબ આપી 15થી20 દિવસમાં આલાપ સોસાયટીનો ભૂગર્ભ પ્રશ્ન હદ કરવમાં આવશે તેમ જણાવ્યું હતું.

મોરબીના આલાપ રોડ ઉપરની સોસાયટીઓમા ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોએ આજે રવિવારે કોંગ્રેસ સાથે મળી નગર પાલિકા હાય હાયના નારા લગાવવાની સાથે પ્રચંડ વિરોધ કરી 48 કલાકમાં ભૂગર્ભ ગટરની સમસ્યા નહિ ઉકેલાય તો મોરબી બંધનું એલાન આપવાનું જાહેર કરતા જ પાલિકાના સત્તાધીશો જાણે સતાપક્ષ ઉપર બેઠેલા શાસકો હોય તેમ વર્તન કરી કોંગ્રેસ અને સ્થાનિકોના વિરોધનો જવાબ આપવા માટે તાત્કાલિક પત્રકાર પરિષદ યોજવાની જાહેરાત કરી પત્રકાર પરિષદને નગર પાલિકાના ઈજનેર કિશન ફુલતરિયાએ સંબોધી હતી.

- text

પત્રકાર પરિષદની શરૂઆતમાં જ પાલિકાના ઇજનેરને શા માટે પત્રકાર પરિષદ યોજી તેવો સવાલ પૂછવામાં આવતા તેમને જણાવ્યું હતું કે, આલાપ રોડના રહીશોએ વિપક્ષ સાથે મળી જે વિરોધ કર્યો તે માટે આ પત્રકાર પરિષદ યોજી ( અરે મિસ્ટર એન્જીનીયર તમારા માટે વિપક્ષ ન હોય ) પાલિકાના એન્જીનીયરે પત્રકાર પરિષદની શરૂઆતમાં જ રાજકીય ભાષાનો પ્રયોગ કર્યા બાદ સતત ભાંગરા વાટી શા માટે ગટર ઉપરાય છે ? તે સવાલના જવાબમાં પણ આઈડિયા નથી તેવો જવાબ આપી આલાપ રોડના રહેવાસીઓએ વર્ષો પહેલા ખાનગી ભૂગર્ભ નાખી હોવાનું જણાવી પાલિકાને આ બાબતની જાણ હમણાં કોન્ટ્રાક્ટરે કરી હોવાનો બાલિશતા ભર્યો જવાબ આપ્યો હતો.

બીજી તરફ પાલિકાના ઇજનેરે તંત્રના બચાવમા જૂની લાઈનો હોવાનું જણાવી હમણાં હમણાં ફરિયાદો વધી હોવાનું સ્વીકારતા જણાવ્યું હતું કે, આલાપ રોડની સમસ્યા ઉકેલવા 80 મીટર દૂર આવેલ વોકળા સુધી લાઇન નાખી આગામી 15થી 20 દિવસમાં સમસ્યા ઉકેલવામાં આવશે સાથે જ કાયમી સમસ્યાના ઉકેલ માટે 70થી 80 લાખના ખર્ચે નવી લાઇન નાખવા એસ્ટીમેન્ટ બનાવવામાં આવ્યું છે. જો કે, આલાપ સોસાયટીમાં ભૂગર્ભ ગટર પાલિકાએ આપી જ નથી તો આટલા વર્ષ વેરો શા માટે ઉઘરાવ્યો તેવા સવાલના જવાબમાં એન્જીનીયર કિશન ફુલતરિયાએ પાલિકા ઇન્કમટેક્સ સહિતના અન્ય વેરા ઉઘરાવતી હોવાનો હાસ્યાસ્પદ જવાબ આપતા આશ્ચર્ય સર્જાયું હતું. જો કે શહેરમાં ભૂગર્ભ ગટરની ફરિયાદો મામલે કહ્યું હતું કે લાઈનો જુની થઈ ગઈ હોય એ સમસ્યા સર્જાય છે સમસ્યા ઉકેલવા માટે લાઇન નવી નાખવી એ  ઉકેલ છે.

- text