આમાં લોકો ભ્રષ્ટ તંત્રને કેમ બાતમી આપે ? મોરબીમાં ખનીજ માફિયાઓ વિરુદ્ધ આર્મીમેને કરેલી અરજી લીક 

- text


બાતમી લીક થઇ જતા આર્મીમેને જીવનું જોખમ : સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપવા માંગ ઉઠાવી : મેડલ પરત આપવા પણ ચીમકી 

મોરબી : મોરબી જિલ્લામાં ચાલતી બેફામ ખનીજ ચોરી અંગે જિલ્લા કલેકટર, વાંકાનેર પ્રાંત અને ખાણ ખનીજ વિભાગને બાતમી આપતી અરજી કરનાર ભારતીય થલ સેનાના હેડ ક્લાર્કની અરજીની માહિતી લીક કરી ભૂમાફિયા સુધી પહોંચાડવામાં આવી હોવાનો સણસણતો આરોપ લગાવી આર્મીમેને પોતાના જીવન ઉપર જોખમ ઉભું થયાનો આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સાથે જ આર્મીમેને સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપવા અગ્ર સચિવને રજૂઆત કરી છે.

મોરબીમાં રહેતા આર્મીમેન પ્રવીણસિંહ ઝાલાના જણાવ્યા મુજબ તેઓએ મોરબી જિલ્લા કલેક્ટર, મોરબી જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી અને વાંકાનેર પ્રાંત અધિકારીને ખનીજ માફિયાઓ વિરુદ્ધ નામ જોગ અરજી કરી હતી. જો કે આ અરજી માત્ર 16 કલાકમાં જ અરજી અંગેની માહિતી ખનીજ ચોરી કરતા માફિયાઓ સુધી પહોંચાડી સરકાર વિરુદ્ધ કામગીરી કરી અને ગુપ્તતાના નિયમનો ભંગ કરવામાં આવ્યો હોવાનો તેમને આરોપ લગાવ્યો હતો. વધુમાં આ માહિતી લીક થઈ જતાં તેઓએ તેમના અને તેમના પરિવાર પર જીવનું જોખમ ઉભું થયું હોવાનું પણ જણાવ્યું હતું.

- text

વધુમાં પ્રવીણસિંહ ઝાલાએ આરોપ લગાવતાં કહ્યું કે, બુધવારે તેમણે કરેલી અરજી માત્ર 16 કલાકમાં જ મોરબી જિલ્લા કલેક્ટર કચેરીમાંથી લીક કરી નાખવામાં આવી હતી. તેથી સરકારી વહીવટી તંત્રના ભ્રષ્ટ અધિકારીઓએ મારા અને મારા પરિવાર પર જીવનું જોખમ ઉભું કર્યું છે. તેથી મોરબી જિલ્લાના જવાબદાર આ ત્રણેય અધિકારીઓની બદલી કરી તટસ્થ તપાસ કરી એક કમિટીની રચના કરી સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારી નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવે. કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીના મોબાઈલ તપાસી કોના મોબાઈલમાંથી અરજી ફોરવર્ડ થઈ તેની તપાસ કરવામાં આવે તેમ અગ્ર સચિવને રજૂઆત કરી છે.

અંતમાં તેમને જણાવ્યું હતું કે, ભ્રષ્ટ અધિકારીઓ સામે તપાસ નહીં થાય તો તેઓ હાઈકોર્ટમાં જશે અને આવનારા દિવસોમાં અધિકારીઓ અને ખનીજ માફિયાઓની તમામ સંપત્તિઓની માહિતી સાથે એસીબી તેમજ આઈટી વિભાગને લેખિત ફરિયાદ કરશે. આવનારા દિવસોમાં તેઓ મોરબી જિલ્લાના ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખોલશે અને આવા અધિકારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય તો રક્ષામંત્રી અને રાષ્ટ્રપતિ પાસે ન્યાયની માંગણી કરશે. તેમ છતાં જો ન્યાય નહીં મળે તો તેઓને મળેલા મેડલ અને એવોર્ડ રાષ્ટ્રપતિને પરત કરી ભારતીય થલ સેનામાંથી રાજીનામું આપી દેશે.

- text