ગટર, ગંદકી અને દબાણો સહિતના પ્રશ્ને સ્થાનિકોનું નગરપાલિકામાં હલ્લાબોલ

- text


ઢગલાબંધ પ્રશ્નો લઈને પંચાસર રોડ પર આવેલા રાજ નગરના રહેવાસીઓ નગરપાલિકા કચેરીએ કરી ઉગ્ર રજૂઆત : નગરપાલિકાના અધિકારીઓ કામ ન કરતાં હોવાનો રહેવાસીઓનો બળાપો

મોરબી : મોરબીના પંચાસર રોડ વિસ્તારના લોકો આજે મોરબી નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને ગટર, પાણી, ખાડા, પાણી ભરાઈ જવા, દબાણ સહિતના અનેક પ્રશ્નો બાબતે હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆત કરી હતી. સાથે જ રહેવાસીઓએ બળાપો ઠાલવ્યો હતો કે અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં પાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

આ બાબતે શૈલેષભાઈ માકાસણાએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડ નંબર 9માં રાજનગરમાં 40 જેટલી સોસાયટીઓ આવેલી છે. જેમાં અવારનવાર લોકો દ્વારા પાણી ભરાય જવાની, ગટર ઉભરાવાની, વીજ કાપની અને ખાડા પડવાની અનેક ફરિયાદો આવે છે. આ અંગે અનેક વખત નગરપાલિકામાં રજૂઆતો કરી છે પરંતુ અધિકારીઓ કોઈપણ પ્રકારનું ધ્યાન આપતા નથી. પંચાસર રોડ અને મુનનગર ચોકમાં દબાણ અંગેની અરજીઓ પણ આપી છે. પરંતુ નગરપાલિકાના અધિકારીઓ સ્થળ તપાસ માટે પણ જતાં નથી.

રાજનગર વિસ્તારના રહેવાસી શ્રીરામ ભોરણીયાએ જણાવ્યું હતું કે, આજે રાજનગર વિસ્તારની તમામ સોસાયટીના ભાઈઓ-બહેનો નગરપાલિકાએ રજૂઆત કરવા આવ્યા છીએ. અમારા વિસ્તારમાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ગટર ઉભરાય છે. જેના કારણે ગંદગીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દુર્ગંધ પણ આવી રહી છે. આ અંગે અનેક વખત રજૂઆત કરી છે છતાં તંત્ર ગટર સફાઈ માટે આવતું નથી. તંત્ર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી ફરિયાદ આપીએ છીએ છતાં અધિકારીઓ કામ નથી કરતાં તો સ્વચ્છ મોરબી કેવી રીતે થશે ?. સાથે જ પંચાસર રોડ અને મુનનગરમાં દબાણ હટાવવા પણ રજૂઆત કરી હતી.

- text

- text