મોરબી તાલુકાના પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાનું મુખ્યમંત્રીએ કર્યું સન્માન

- text


ટંકારામાં પુરની સ્થિતિમાં ખભે ઉંચકીને બે બાળકીઓના જીવ બચાવવા અને આફ્રિકાના કિલીમાન્જારો શીખર સર કરવા બદલ બહુમાન

મોરબી : મોરબી તાલુકાના કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાએ ટંકારામાં પુરની સ્થિતિમાં ખભે ઉંચકીને બે બાળકીઓના જીવ બચાવ્યા હતા. ઉપરાંત આફ્રિકાના કિલીમાન્જારો શીખર સર કર્યો હતો. આ સિદ્ધિઓ બદલ મુખ્યમંત્રી દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ શુભેચ્છા પત્ર પણ પાઠવ્યો છે. જેમાં જણાવાયુ છે કે પૃથ્વીરાજસિંહ ગુજરાત પોલીસના એવા જવાન છે જેમણે પૂરની કુદરતી આપદામાં નાગરિકોની સુરક્ષા માટે પોતાના જીવની પણ પરવાહ કરી ન હતી.તેમણે મોરબીના ટંકારામાં પૂરની સ્થિતિ વચ્ચે બે બાળકીઓને ખભા પર ઊચકીને તેમનો જીવ બચાવ્યો હતો એ દ્રશ્યો આજે પણ નજર સમક્ષ તરી આવે છે, જે ગુજરાત પોલીસની ફરજનિષ્ઠાનો પરિચય કરાવે છે.

આફ્રિકા ખંડના તાન્જાનિયા દેશમાં આવેલ આફ્રિકાના હાઈએસ્ટ પોઈન્ટ માઉન્ટ કિલીમાન્જારો શિખર (ઊંચાઈ – ૫૮૯૫ મીટર, ૧૯૩૪૧ ફૂટ)ના પોઈન્ટને આપે સર કર્યો છે, જે જાણીને આનંદ થયો. આપણે જેવું વિચારીએ છીએ તેવું શક્ય બને છે પણ તેના માટે લક્ષ્ય અને આદર્શ સ્થિર હોવાં આવશ્યક છે. આશાવાદી વિચારોમાં અપાર શક્તિ હોય છે. કંઈક નોખું અને અનોખું કરવા નિર્ણય અને ઈચ્છાશક્તિ પ્રબળ હોય તો અનેક શિખરો સર થઈ શકે છે.

- text

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજની સાથે રાજકોટ રેન્જ આઈ. જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ. પી. રાહુલ ત્રિપાઠીના સીધા માર્ગદર્શન હેઠળ આપે આ સ્પર્ધામાં ભાગ લઈ માઉન્ટ કિલીમાન્જારો શિખર સર કર્યું છે જે ગુજરાત પોલીસની સાથે રાજ્ય માટે ગૌરવપૂર્ણ છે. સાહસિક પ્રવૃત્તિઓ થકી ગુજરાત રાજ્યનું નામ વૈશ્વિક ફલક પર ઉજ્જવળ બનાવવા માટે આપને શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવું છું. તેમ પત્રમાં અંતમાં જણાવાયુ હતું.

- text