ખોટી ચલણી નોટો ઉડાવી GMERS કોલેજના ફી વધારાનો મોરબી NSUI દ્વારા વિરોધ કરાયો

- text


ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું રોળાઈ રહ્યું છેઃ NSUI પ્રદેશ પ્રમુખ

મોરબી : આજ રોજ મોરબી NSUI દ્વારા GMERS મેડિકલ કોલેજ ખાતે આવેદનપત્ર આપીને ફી વધારો પરત ખેંચવા આક્રમક રજૂઆત કરવામાં આવી હતી. NSUIના ગુજરાત પ્રદેશ પ્રમુખની હાજરીમાં ખોટી ચલણી નોટો ઉડાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો આ ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

NSUI દ્વારા જણાવાયું હતું કે, ગુજરાત સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત 13 મેડિકલ કોલેજની ફીમાં રાતોરાત વધારો કરી દીધો છે. શિક્ષણની મોટી મોટી વાતો કરતી સરકારને વિદ્યાર્થીના ભવિષ્યની કોઈ ચિંતા નથી. સરકારી ક્વોટાની વાર્ષિક ફી 3.30 લાખથી વધારીને 5.50 લાખ, મેનેજમેન્ટ ક્વોટા વાર્ષિક ફી 9.75 લાખથી વધારી 17 લાખ અને એનઆરઆઈ ક્વોટાની ફી 22 હજાર યુએસ ડોલરથી વધારી 25 હજાર યુએસ ડોલર કરી તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે. આ અંગે સરકારના પ્રતિનિધિ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે ગત વર્ષે GMERS સંચાલિત 13 મેડિકલ કોલેજ તથા સંલગ્ન 14 હોસ્પિટલ ચલાવવાનો વાર્ષિક ખર્ચ 1168 કરોડ થયો હતો જેની સામે મેડિકલ કોલેજની ફીની આવક 423.74 કરોડ થઈ હતી. જેથી સરકારને નુકસાન થાય છે. ત્યારે આ નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર વિદ્યાર્થીઓ પાસેથી ફી વધારો કરી નુકસાન ભરપાઈ કરવા માંગે છે. NSUIએ જણાવ્યું હતું કે અમારા મતે આ નુકસાન નહીં પરંતુ ભવિષ્યની પેઢીનું નિર્માણ છે. સરકાર સીટ વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માગે છે કે ડોક્ટર બનવાનો હક્ક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી પરંતુ અમીરો માટે જ છે. તેથી આ તોતિંગ ફી વધારો રદ કરી ગત વર્ષ જેટલી જ ફી રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ફી વધારો વિદ્યાર્થીઓ પર પડ્યા પર પાટું સમાન છે. આ ફી વધારો યોગ્ય નથી. રાજ્ય સરકારે આ ફી વધારો ન કરવો જોઈએ. જો આ ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે તો વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ અને NSUI પોતાની ભૂમિકા ભજવશે.

NSUIના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપની સરકારે યુવાનો અને વિદ્યાર્થીઓને હેરાન કરવાનું બીડું લીધું છે. જેના ભાગરૂપે ગુજરાતની GMERS મેડિકલ કોલેજમાં સરકારે ફી વધારો કર્યો છે. સરકાર દ્વારા 70-80 ટકા ફી વધારો કરાતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું રોળાતું હોય તેવું લાગી રહ્યું છે. આ અંગે NSUI દ્વારા આજે રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે ફી વધારો પરત ખેંચવા જણાવાયું છે. તેમ છતાં જો સરકારની આંખ નહીં ખુલે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

- text

- text