મોરબી : લાલપર આયુષ્યમાન આરોગ્ય મંદિર અને તેના તાબાના ગામોમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી

- text


વસ્તી નિયંત્રણ માટે દંપતી સંપર્ક પખવાડિયું, રેલી, ગુરુ શિબિર, લઘુ શિબિર, સ્પર્ધા અને ડોર-ટૂ-ડોર પ્રચાર-પ્રસાર કરાયો 

મોરબી : આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર લાલપર અને તેના તાબાના વિવિધ ગામોમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત લોકોમાં વસ્તી નિયંત્રણ માટે યોગ્ય માર્ગદર્શન મળે એવા હેતુથી દંપતી સંપર્ક પખવાડિયું, રેલી, ગુરુ શિબિર, લઘુ શિબિર, સ્પર્ધા અને ડોર ટૂ ડોર પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.

વર્ષ 1990થી સમગ્ર વિશ્વમાં 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગૌરવની વાત એ છે કે આ દિવસની ઉજવણી કરવાનું સૂચન એક ભારતીય વસ્તી નિષ્ણાત ડૉ. કે.સી. ઝકરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. વિશ્વને વધતી વસ્તીની સમસ્યા સામે જાગવું પડશે, આ પ્રગતિનો સંદેશ આખી દુનિયામાં ફેલાવવો પડશે. ઇતિહાસ એવો છે કે, વર્ષ 1987માં 11મી જુલાઈના રોજ વિશ્વની વસ્તીનો આંકડો પાંચ અબજને આંબ્યો હતો. ત્યારે વિશ્વ બેન્કમાં વસ્તી વિષયક નિષ્ણાત તરીકે સેવા આપી રહેલા ડૉ. કે.સી. ઝકરિયાએ વધતી વસ્તી અને તેને કારણે વકરતી વૈશ્વિક સમસ્યાઓ અંગે દુનિયાભરના લોકોમાં જાગૃતિ વધે એ આશયથી વિશ્વ વસ્તી દિવસ ઊજવવાનું સૂચન કર્યું હતું.

વર્ષ 2024ના સરકારના વસ્તી નિયંત્રણનું સૂત્ર “વિકસિત ભારતની પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન” મુજબ જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ધીરેન્દ્ર મહેતાની સૂચના મુજબ આયુષ્યમાન આરોગ્ય મંદિર લાલપર અને તેના તાબાના વિવિધ ગામોમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત દિકરો દિકરી એક સમાન વિષે સમજુતી, નાનું કુટુંબ સુખી કુટુંબના ફાયદા, ખુશીનો મંત્ર રાખજો યાદ, બીજું બાળક 3 વર્ષ બાદ, કાયમી પદ્ધતિ અને બિનકાયમી પદ્ધતિ, કુટુંબ નિયોજન પદ્ધતિમાં મળવા પાત્ર સહાય, અમે બે અમારા બેના સૂત્ર, લગ્નની યોગ્ય ઉંમર, લગ્ન બાદ પણ 2 કે 3 વર્ષ બાદ પ્રથમ બાળક રાખવું, બિનકાયમી પદ્ધતિનો લાભ વગેરે જેવી બાબતો પર વિવિધ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text

આ કામગીરી માટે આયુષ્યમાન આરોગ્ય મંદિર લાલપરના મેડિકલ ઓફિસર ડો. દર્શન ખત્રી, ડો. જયેશ રામાવત, દીપકભાઈ વ્યાસ એ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ આરોગ્ય કર્મચારી દિલીપ દલસાણીયા સહિતના વિવિધ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

- text