મોરબીમાં હપ્તારાજ, ટેન્કરરાજ અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ : ઈસુદાન ગઢવી

- text


ઝુલતા પુલમાં 135 લોકોના મોત થયા છતાં કોઈને ન્યાય ન મળ્યો : ઈસુદાન ગઢવી

મોરબી : 9 જુલાઈના રોજ મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા મિશન વિસ્તાર હેઠળ શહેર અને જિલ્લાના સંગઠનની સંકલન બેઠકનું આયોજન કરવાના આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઈટાલિયા, મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, વર્કિંગ પ્રેસિડેન્ટ કૈલાશભાઈ ગઢવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી આવેલા ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી મોરબીમાં હપ્તારાજ અને ટેન્કર રાજથી લોકો ત્રાહિમામ થયા હોવાનો આરોપ લગાવ્યો હતો.

આપ નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અમારો પ્રયત્ન છે કે ગુજરાતમાં તમામ 55 હજાર બુથ પર આમ આદમી પાર્ટીના મજબૂત કાર્યકર્તાઓ બને જેની શરૂઆત કચ્છથી કરવામાં આવી છે. સાથે જ સંગઠનમાં જવાબદારીની સમીક્ષા, કામની સમીક્ષા અને સંગઠનમાં શું-શું ફેરફાર કરવાના છે તે બાબતે અમે નીકળ્યા છીએ. આજે મોરબી અને કચ્છ જિલ્લામાં સંગઠન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી. દરરોજ બે જિલ્લાની સમીક્ષા કરવામાં આવશે. આ રીતે સતત એક મહિના સુધી આમ આદમી પાર્ટીની ટીમ ફરીને તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવશે. કાર્યકર્તાઓની મુશ્કેલીઓ સાંભળીને કેવી રીતે તેઓને આગળ વધારવા તે અંગે રોડમેપ બતાવીશું

- text

વધુમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, મોરબીમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. રોડ-રસ્તા અને બ્રિજનું કામ ભ્રષ્ટાચાર વિના થતું નથી. મોરબીમાં હપ્તારાજ ખૂબ ચાલી રહ્યું છે. સામાન્ય વ્યક્તિઓ માટે જીવવું મુશ્કેલ બની ગયું છે. જો તમે ભાજપ સાથે જોડાયેલા હોય તો બેફામ લૂંટ ચલાવી શકો છો. આ ઉપરાંત મોરબીમાં પાણી અને ભુગર્ભ ગટરની પણ સમસ્યા છે. રવાપર ગામમાં લોકોને પોતાના ખર્ચે પાણીના ટેન્કરો મંગાવવા પડી રહ્યા છે. ઝુલતા પુલમાં 135 લોકોના મોત થયા છતાં કોઈને ન્યાય મળ્યો નથી. એટલે કે ભાજપના સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યો પોતાના ધંધા-રોજગારમાં વધુ રસ ધરાવે છે. તેથી જો તમામ સમસ્યાઓનું સમાધાન લાવવું હશે તો આ સરકારને કાઢવી પડશે. આ સમસ્યાઓ સામે આગામી સમયમાં આમ આદમી પાર્ટી લડત આપશે અને ઉગ્ર રજૂઆતો પણ કરશે.

- text