ટંકારાના ગણેશપરના ખેડૂતની પ્રાકૃતિક ખેતીની ખારેક ખરીદવા મુંબઈથી આવે છે ખાસ ઓર્ડર

- text


વીઘે 1 લાખથી વધુની આવક મેળવી રહ્યા છે ગણેશભાઈ પાલરીયા

મોરબી : આપણી પુરાતન સંસ્કૃતિથી ભૂમિનું પૂજન થતું આવ્યું છે. આપણા વડવાઓએ પણ ધરતીને મહામૂલુ ધન કહ્યું છે, ત્યારે નૈસર્ગિક ઢબે એ જમીન રૂપી કિમતી ખજાનાને સાચવવાની જવાબદારી આપણી છે. સરકારશ્રી દ્વારા જમીન સંવર્ધન અને ખેડૂતોના ઉત્થાન માટે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવાના સ્વપ્નને સાકાર કરવા પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને પાયાના ઘટક તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી અવનવા આયામો સિદ્ધ કરી સમગ્ર ભારત અને વિશ્વની બજારમાં પણ ડંકો વગાડી રહ્યા છે.

વર્ષ 2017 થી રાસાયણિક ખેતીને હંમેશા માટે અલવિદા કહી દસે દસ વીઘામાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખારેકની ખેતી કરી રહેલા મોરબીમાં ટંકારા તાલુકાના ગણેશપર ગામના ગણેશભાઈ પાલરીયા અને તેમના પુત્ર સંજયભાઈ પાલરીયા મબલખ આવક મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીથી તેમના ખેતર અને જીવન બંનેમાં આવેલા અમૂલ પરિવર્તન વિશે વાત કરતા સંજયભાઈ પાલરીયાએ જણાવ્યું હતું કે, 2017 થી હું પ્રાકૃતિક ખેતી કરું છું, મારા ખેતરમાં ઇઝાયેલ ખારેકના 250 રોપા વાવેલા છે. જેના વિકાસ અને સંરક્ષણ માટે ગાયના ગોબર અને ગૌમુત્રથી બનતા જીવામૃત અગ્નિઅસ્ત્ર વગેરેનો જ ઉપયોગ કરું છું. 2017માં જ્યારે ખારેકનું વાવેતર કર્યું ત્યારથી જ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. રોપા વાવતી વખતે પણ ફક્ત ગાયનું છાણ અને કાળી માટીનો જ ઉપયોગ કરેલો છે, હાલ જરૂર પડે ત્યારે ગૌમૂત્રનો છંટકાવ કરીએ છીએ જેથી જમીનમાં ભરપૂર માત્રામાં અળસિયા અને જરૂરી તમામ બેક્ટેરિયા ઉપલબ્ધ છે.

આ રોપાના વાવેતર માટે બાગાયત ખાતા દ્વારા પ્રતિ રોપાએ 1250 સબસીડી આપવામાં આવી છે અને તેના ખર્ચ માટે પણ પ્રતિ હેક્ટર 40 હજારની સહાય મળી છે. આત્મા પ્રોજેક્ટ હેઠળ પણ પ્રાકૃતિક ખેતી માટે બેરલ સહિત સંસાધનો વસાવવા માટે 13,500 ની સહાય મળી છે. પ્રાકૃતિક ખેતીના કારણે અમને ખૂબ સારું ઉત્પાદન મળે છે. 2017 પહેલા રાસાયણિક ખેતીથી ખેતી કરતા ત્યારે દવા અને ખાતર સહિતના ખર્ચાઓ ખૂબ થતા જ્યારે અત્યારે ખર્ચ બિલકુલ નહિવત થઈ ગયો છે. ગાય આધારિત જ ખેતી હોવાથી ખર્ચ ઘટ્યો છે અને સામે આવક વધી ગઈ છે. ખારેકના ઉત્પાદનમાં અમને હાલ પ્રતિ એકર 1 લાખથી વધુની આવક થાય છે, ઉપરાંત આંતરપાક ના કારણે એ આવક પણ ડબલ થઈ જાય છે.

ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી માટે ખૂબ પ્રોત્સાહન આપવામાં આવે છે. ગુજરાતના ખેડૂતોને અને મને પણ ઘણું પ્રોત્સાહન મળ્યું છે અને સહાય પણ મળી છે માટે હું સરકારનો ખૂબ ખૂબ આભારી છું. સાથે અન્ય ખેડૂતોને પણ અપીલ કરું છું કે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે જેથી ખર્ચ ઘટે અને આવક વધે.

- text

પ્રાકૃતિક ખેતી અપનાવતા ખારેકમાં પ્રસરેલી મીઠાશની સાથે પાલરીયા પરિવારમાં પણ મીઠાશ પ્રસરી છે. પ્રાકૃતિક ખેતીથી પાકતી આ ખારેકની સ્થાનિકે તો ખૂબ માંગ છે જ ઉપરાંત આ ખારેકની સુવાસ અને મીઠાશ રાજ્યની સરહદ વટાવી મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પહોંચી ચૂકી છે. મુંબઈમાં તો આ ખારેકની માંગ એટલી છે કે લોકો ખાસ ઓર્ડર આપીને ખારેક મંગાવે છે. ખારેકના ઉત્પાદનથી વીઘે એક લાખથી વધુની આવક મળી રહે છે ત્યારે ગણેશભાઈ પાલરીયા જણાવે છે કે, મારા માટે આ આવક કરતા એ આત્મ સંતોષ મહત્વનો છે કે હું મારા પરિવારને કે અન્ય કોઈને પણ રસાયણ યુક્ત ઝેર નથી ખવડાવતો કે નથી આ માભોમને પ્રદૂષિત કરતો. દરેક ખેડૂત આવું વિચારશે તો આ ધરતી રસાયણ મુક્ત બની જશે અને દરેક લોકોને શુદ્ધ, સાત્વિક અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક મળી રહેશે.

- text