મેઘરાજાનો બીજો રાઉન્ડ : માળીયા મિયાણામાં એક, ધોરાજીમાં અઢી ઈંચ

- text


પ્રથમ રાઉન્ડમાં સચરાચર મેઘકૃપા બાદ કુમળા પાક ઉપર ખરસમયે જ સોનુ વરસાવતા મેઘરાજ

મોરબી : અઠવાડિયાના મેઘવિરામ બાદ સોમવારથી રાજકોટ સહિત રાજ્યભરમાં મેઘરાજાનો સમયસરનો બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે મંગળવારે રાજ્યમાં ખેડા જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધવાની સાથે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવ્યાના સમાચાર મળી રહ્યા છે, સાંજના સમયે રાજકોટમાં ઝાપટા વરસ્યા હતા તો ધોરાજીમાં બે કલાકમાં અઢી ઈંચ અને દ્વારકાના રાવલમાં પણ બે કલાકમાં બે ઈંચ સાથે ઉનામાં એક કલાકમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.સાથે જ મોરબી જિલ્લાના માળીયા મિયાણામાં 24 એમએમ એટલે કે એક ઈંચ અને હળવદમાં 5 મીમી વરસાદ સાંજના 4થી 6 વાગ્યામાં વરસ્યો હતો.

ઓણસાલ જૂન મહિનામાં સમયસર મેઘરાજાએ મહેર વરસાવતા હાલમાં સૌરાષ્ટ્રના મોટાભાગના ગામમાં વાવણી થઇ ગઈ છે અને વાવણી બાદ મેઘરાજાએ આઠેક દિવસની વરાપ આપ્યા બાદ સોમવારથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે જે મંગળવારે પણ ચાલુ રહેતા રાજકોટના ધોરાજીમાં બે કલાકમાં અઢી ઈંચ, દ્વારકાના રાવલમાં બે કલાકમાં બે ઇચ, ઉનામાં એક ઈંચ ઉપરાંત પોરબંદરના રાણાવાવ, અમરેલીના જાફરાબાદ અને ભાવનગરના તળાજામાં એક એક ઈંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ મોરબી જિલ્લામાં સાંજના સમયે હવામાનમાં પલટા સાથે માળીયા મિયાણામાં એક ઈંચ અને હળવદમાં પાંચ મીમી વરસાદ નોંધાયો હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું હતું.

- text

દરમિયાન મંગળવારે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનથ, તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા સહિતના 18 જિલ્લા માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર આંકડા મુજબ મંગળવારે સાંજ સુધીમાં ખેડાના મહેમદાબાદમાં ત્રણ ઈંચ, ધોરાજીમાં અઢી ઈંચ, માતર અને ખેડામાં અઢી ઈંચ, સુરતના ઓલપાડ અને નડિયાદમાં દોઢ ઈંચ, બનાસકાંઠાના દાંતામાં સવા ઈંચ, કચ્છના ભચાઉ, ગીરગઢડા તેમજ બનાસકાંઠાના વડગામ એક ઈંચ સહીત રાજ્યના કુલ 79 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

- text