મોરબીના ખેડૂતોને કોમર્શિયલ ભાવે વળતર ચૂકવો : પાલ આંબલીયા

- text


લાકડીયાથી વડોદરા જતી વીજ લાઈનમાં ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવા મોરબી કલેક્ટર સમક્ષ રજૂઆત

મોરબી : કચ્છના લાકડીયાથી વડોદરા જતી પાવર ગ્રીડની 765 કેવીડીસી ટ્રાન્સમિશન વીજ લાઈનમાં ખેડૂતોને યોગ્ય વળતર ન મળ્યું હોવાની માંગ સાથે છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લાના ખેડૂતો લડત આપી રહ્યા છે છતાં સરકાર યોગ્ય વળતર ચૂકવતી ન હોય મંગળવારે મોરબીમાં ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને જંત્રીભાવે નહીં પરંતુ કોમર્શિયલ ભાવે વળતર ચૂકવવા માંગ કરી નવી નીતિ ન બને ત્યાં સુધી ખેડૂતોના ખેતરમાંથી વીજલાઇન પસાર ન કરવા સાફ-સાફ શબ્દોમાં જણાવ્યું હતું.

મોરબી જિલ્લા કલેક્ટરને રજુઆત કરતા ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે, આ વીજલાઈન ખાનગી કંપનીઓ દ્વારા બની રહેલા વિન્ડફાર્મ અને સોલારફાર્મમાં ઉત્પન્ન થતી વીજળીના પ્રવહન માટે છે. આ એક કોમર્શિયલ કામ છે તેથી ખેડૂતોને કોમર્શિયલ ભાવ કેમ આપવામાં નથી આવી રહ્યા ? જંત્રીના દરે વળતર શા માટે ? આ લાઈન 35 વર્ષ સુધી રહેવાની હોવાથી જમીન ત્યાં સુધી બિનખેતી પણ થઈ શકશે નહીં. સરકાર એક વિભાગમાંથી બીજા વિભાગમાં જમીન આપે ત્યારે 400 ગણી કિંમત ખરાબાની આંકે છે. પરંતુ આ ખેડૂતોની જમીન તો ફળદ્રુપ છે તેથી તેની કિંમત આના કરતાં પણ વધારે આંકવી જોઈએ. સરકારે આ વીજલાઈનમાં જંત્રીના દરમાં માત્ર 15 ટકા વધારો જ કર્યો છે. જેથી એક થાંભલો ઉભો કરવા માટે ખેડૂતોને માત્ર 70 હજાર જેટલી રકમ મળી રહી છે. જ્યારે અન્ય ખાનગી કંપનીઓએ 15 લાખ, 20 લાખ સુધીનું વળતર ખેડૂતોને ચુકવ્યું છે તેથી ખેડૂતોના વળતરમાં વધારો કરવામાં આવે તેવી અમારી માંગ છે.

વધુમાં જો ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવામાં નહીં આવે તો ચોમાસામાં પાવર કંપનીને કામ કરવા દેવામાં આવશે નહીં. બીજી તરફ સરકાર આવનારા દિવસોમાં જે નવી ગાઈડલાઈન આવશે તે ખેડૂતોને ફાયદાકારક હોવાની વાત સરકાર જ જણાવી રહી છે તેથી જ્યાં સુધી નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી આ કામ બંધ રાખવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. સાથે જ મોરબી જિલ્લા અધિક કલેક્ટરે જણાવ્યું હતું કે, ખેડૂતોનો આ પ્રશ્ન સરકારને મોકલી આપવામાં આવશે. ત્યારબાદ સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.ઉપરાંત ખેડૂતોને મુશ્કેલી ઉભી ન થાય તે માટેની પાવર કંપનીઓને પણ સુચના આપી દેવામાં આવશે. રજુઆત સમયે પાલભાઈ આંબલિયા સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા સહિતના કોંગ્રેસના આગેવાનો સાથે રહ્યા હતા.

- text

- text