Morbi : આંગણવાડી અને આશા વર્કરના પડતર પ્રશ્નો ઉકેલવા કલેક્ટરને આવેદન

- text


યોગ્ય વળતર ચુકવવા સહિતના અનેક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા

મોરબી : ગુજરાતમાં ફરજ બજાવતી 1 લાખ આંગણવાડી કાર્યકર બહેનો અને 40 હજાર જેટલી આશા વર્કરો તથા ફેસિલિએટર બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે આજ રોજ રાજ્યમાં ઠેર ઠેર જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી અને તમામ પડતર પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવા માગ કરી હતી.

ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આજ રોજ મોરબી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રાજ્ય સરકાર સમક્ષ પોતાના પડતર પ્રશ્નોની રજૂઆત કરી હતી. જેમાં આશા વર્કર તથા ફેસિલિએટરો વર્ષ 2005થી સેવા બજાવતા હોય તેઓને કાયમી કરવા તથા ફિક્સ પગાર કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. સાથે જ કામના કલાકો નક્કી કરવામાં આવે. આ ઉપરાંત ડ્રેસના રૂપિયાનું ચુકવણું, પેન્શન-ગ્રેચ્યુઈટી, પીએફ, પગારી રજાની જોગવાઈ, બોનસ, અન્ય કામગીરી ન સોંપવી, ઈન્સેન્ટીવ આપવું સહિતની માગ પૂરી કરવા જણાવ્યું હતું.

જ્યારે આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નોમાં ગુજરાત સરકાર દ્વારા 2018 બાદ માનદ વેતનમાં વધારો કરવામાં નથી આવ્યો તે લધુતમ વેતન મુજબ 496 રૂપિયા દૈનિક પ્રમાણે વેતન આપવું જોઈએ. આ ઉપરાંત સારા મોબાઈલ આપવા, વર્કરમાંથી સુપરવાઈઝરમાં પ્રમોશનની 45 વર્ષની વય મર્યાદા દૂર કરવી, નિવૃત્તિ વય મર્યાદા 60 કરવી, વર્કરના વેતનના 75 ટકા હેલ્પરને વેતન આપવું, વધારાની કામગીરી ન સોંપવી, પીએફ, ઈએસઆઈ તથા પેન્શનનો લાભ આપવો, પગારી રજા અને માંદગીની રજામાં વધારો કરવો, દિવાળી બોનસ આપવું, યુનિફોર્મ સિલાઈના પૈસા ચુકવવા જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રોના ભાડા, બિલ, વગેરેના ચુકવણામાં ચાલતા ભ્રષ્ટાચાર ચાલે છે તેથી ચોક્કસ વ્યવસ્થા ગોઠવવી સહિતની બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

- text

- text