મોરબીની લોહાણાપરા શાકમાર્કેટની શેરીઓમાં ગટરના પાણી દૂર કરવા તંત્ર ઉદાસિન

- text


અનેક વખત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં, વેપાર ધંધા ઠપ્પ

મોરબી : મોરબીની લોહાણાપરા શાક માર્કેટ શેરી નંબર 1 થી 3માં છેલ્લા ઘણા દિવસથી ગટરના ગંદા પાણી ભરાયા હોવાથી વેપારીઓના ધંધા ઠપ્પ થઈ ગયા છે. વેપાર ધંધા આ સમસ્યાના કારણે બંધ થઈ ગયા છે. જેના કારણે વેપારીઓ અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગટરના પાણી દૂર કરવા મોરબી પાલિકામાં અનેક વખત રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે લોહાણાપરા શાક માર્કેટ શેરી નંબર 1, 2 અને 3માં પ્રથમ વરસાદ પડ્યો ત્યારથી રસ્તા પર પાણી ભરાયેલા છે અને છેલ્લા અઠવાડિયા કરતાં વધુ સમયથી તો માત્ર ગટરનું કાળું પાણી જ ભરાઈ રહે છે. જેના કારણે ખૂબ જ દુર્ગંધ આવી રહી છે. સાથે જ દુકાનદારો પણ પરેશાન થઈ રહ્યા છે. ગટરના ગંદા પાણીમાંથી લોકોને ચાલીને જવું પડી રહ્યું છે. તો આ તરફ અહીંયા અનેક દુકાનો આવેલી હોય ગ્રાહકો પણ આ સમસ્યાના કારણે ખરીદી કરવા આવતા નથી. જેના કારણે વેપારીઓની આવક પર અસર પડી છે. ઘણા વેપારીઓ તો દુકાન ખોલવાનું જ ટાળી રહ્યા છે. આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પાલિકા તંત્ર જાણે લોકોની સમસ્યા હલ કરવામાં ઉદાસિનતા દાખવી રહ્યું હોય તેમ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે વેપારીઓ અને લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે ગટરના પાણીની સમસ્યા દૂર કરવામાં આવે અને અહીંયા યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવે.

- text

- text