હળવદના માલણીયાદમાં સરકારી પશુ ચિકિત્સક વિઝીટ ફીના નામે પૈસા ઉઘરાવતા હોવાની રાવ

- text


પશુ ચિકિત્સકની બેદરકારીથી ભેંસનું મોત થયું ઉપરાંત વિઝીટ ફી પેટે રૂ.3500 લીધા હોવાનો પશુપાલકનો આક્ષેપ

હળવદ : હળવદના માલણીયાદમાં સરકારી પશુ ચિકિત્સકે ભેસને ખોટી સારવાર આપતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાની સાથે વિઝિટના રૂ.3500 ઉઘરાવ્યાંના આક્ષેપ સાથે એક પશુપાલકે હળવદ તાલુકા પશુ ચિકિત્સક અધિકારીને કાર્યવાહીની માંગ સાથે રજુઆત કરી છે.

માલણીયાદના પશુપાલક મેરાભાઈ ખેંગારભાઈ ખીટએ તેમની રજુઆતમાં જણાવ્યું છે કે માલણીયાદ મુકામે સરકારી પશુ ચિકિત્સકનું દવાખાનું આવેલ છે જે પશુ ચિકિત્સક દવાખાનામાં બારડ કનકસિંહ ભગવાનભાઈ નામના અધિકારી આશરે એક વર્ષથી ફરજ બજાવે છે અને તેઓનું વિવિધ પશુઓની બીમારી તેમજ ડીલીવરી કરવાની કાર્યવાહી કરવાની હોય છે.

- text

ગત તા. ૩૦/૦૬/૨૦૨૪ નાં રોજ રાત્રીના આશરે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યાનાં અરસામાં અમારી ભેંસની ડીલીવરી માટે ડોકટરને ફોન કરીને જાણ કરેલ કે અમારી ભેંસની ડીલીવરી કરાવવાની છે. જેથી તમો અમારા ઘરે આવો. જેથી આ ડોક્ટર અમારી ઘરે આવેલ હતા. ત્યારબાદ ભેંસની ડીલીવરી કરાવવાની હોય જેથી ડોક્ટરે ભેંસની સારવાર કરેલ અને સારવારમાં ઇન્જેક્શન પણ આપેલ અને થોડો જ સમય જતા ભેંસ મરણ પામેલ અને આ ભેંસને ખોટી સારવાર આપેલ હતી. ડોક્ટરની કામ પ્રત્યેની બેદરકારીના કારણે ભેંસ મરણ ગયેલ છે. ભેંસની સારવાર કરેલ અને ડોકટરે કહેલ કે તમે મને રાતે બોલાવેલ છે. જેથી તમારે તમારી ભેંસની સારવાર માટે અમોને વિઝીટ ફી રૂા. ૩,૫૦૦/- ચુકવવી પડશે જેથી અમે ગુગલ પે એપ્લીકેશનમાંથી રૂા. ૩,૫૦૦/- ટ્રાન્સફર કર્યા હતા. આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

 

- text