સોના કરતા ઘડામણ મોંઘું ! કન્ટેનર ભાડામાં બેથી ત્રણ ગણો વધારો થતા મોરબીના સીરામીક એક્સપોર્ટને ફટકો 

યુરોપ, અમેરિકા, લેટિન અમેરિકા અને આફ્રિકા માટે અઢીથી ત્રણ ગણી કિંમત ચૂકવવા છતાં કન્ટેનર નથી 

મોરબી : વર્ષે દહાડે કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતા ઉદ્યોગો અને એક્સપોર્ટરો હાલમાં કન્ટેનર ભાડામાં થયેલા અઢીથી ત્રણ ગણા ભાડાવધારાથી મુશ્કેલીમાં મુકાયા છે, ખાસ કરીને મોરબીના સીરામીક ઉદ્યોગકારોને માલની કિંમત જેટલું ભાડું ચૂકવવું પડતું હોય હાલમાં વિદેશ વ્યાપાર માટેના કન્સાઇન્મેન્ટ વેરહાઉસમાં ફસાયા હોવાનું જાણવા મળે છે.

મોરબી સીરામીક ઉદ્યોગ અને એક્સપોર્ટ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા એકથી દોઢ મહિનામાં આંતરરાષ્ટ્રીય વેપારમાં કન્ટેનર ભાડામાં વધારાનું ગ્રહણ નડતા સીરામીક તેમજ અન્ય નાની ઇન્ડસ્ટ્રીઝના 25000 ડોલર સુધીના કન્ટેનર કન્સાઇન્મેન્ટને માઠી અસર પડી છે, છેલ્લા દિવસોમાં યુરોપ, અમેરિકા, લેટિન અમેરિકા અને આફ્રિકાના કન્ટેનર ભાડામાં અઢીથી ત્રણ ગણો ભાડા વધારો થયો છે અને આટલું ભાડું ચૂકવવા છતાં પણ કન્ટેનર માલ્ટા ન હોવાથી એક્સપોર્ટને ફટકો પડ્યો છે.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ વિદેશ વ્યાપારમાં આફ્રિકા માટે 1500 ડોલર સુધીના રેગ્યુલર ભાડામાં બમણો વધારો થતા કન્ટેનર ભાડું હાલમાં 3500ની સપાટી વટાવી ગયું છે, એ જ રીતે યુરોપ, અમેરિકા અને લેટિન અમેરિકા માટે આગાઉ 2000થી 2500 ડોલરના ભાડામાં મળતા કન્ટેનરના હાલમાં 6000 સુધીના ભાડા બોલાઈ રહ્યા છે એવામાં મોરબીના સીરામીક ઉદ્યોગકારોને એક કન્ટેનરમાં અંદાજે 7000 ડોલરનો માલ જતો હોય માલ જેટલી જ કિંમત કન્ટેનર ભાડા પાછળ ખર્ચ કરવી પડે તેવી સ્થિતિ સર્જાતા વેરહાઉસમાં માલનો ભરાવો થયો હોવાનું સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.