મોરબીમાં અષાઢી બીજની રથયાત્રાને લઈ એસપીની આગેવાનીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

- text


રથયાત્રામાં 315 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત રહેશે : કોઈ અગવડતા પડે તો તુરંત ફરજ પરના પોલીસકર્મીઓને જણાવવા એસપીની અપીલ

મોરબી : મોરબીમાં આવતીકાલે અષાઢી બીજ નિમિતે રથયાત્રા નીકળવાની છે. જેને લઈને આજે એસપી રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આવતીકાલે અષાઢી બીજ નિમિતે મચ્છુ માતાના પ્રાગટય દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં મચ્છુ માના મંદિર સુધી 2 કિમીની રથયાત્રા નીકળવાની છે. અંદાજે છેલ્લા 150 વર્ષથી પરંપરાગત રીતે આ રથયાત્રા કાઢવામાં આવે છે. દર વર્ષે તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે.

આ રથયાત્રાને લઈને આજે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં એલસીબી, એસઓજી એ ડિવિઝન, ટ્રાફિક સહિતના વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓનું ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.

આ અંગે જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે આવતીકાલે રથયાત્રા શાંતિપૂર્ણ અને હર્ષોલ્લાસ સાથે ઉજવાય તે માટે પોલીસ તંત્ર સજ્જ છે. છેલ્લા ત્રણ દિવસથી પોલીસનું ફૂટ પેટ્રોલિંગ અને સર્વેલન્સ ચાલે છે. આવતીકાલે રથયાત્રા દરમિયાન 315 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત રહેવાના છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે 7 રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આવતીકાલે રથયાત્રા દરમિયાન કોઈ અગવડતા પડે કે મદદની જરૂર હોય તો લોકોએ ફરજ પરના કોઈ પણ પોલીસ કર્મચારીને તુરંત જાણ કરવી. ઉપરાંત નજીકના પોલીસ સ્ટેશન કે કંટ્રોલ રૂમનો પણ સંપર્ક કરવો.

- text

- text