આજથી અષાઢનો આરંભ : અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્, બની બહારમ્, જલધારમ્..

અષાઢ મહિનો એટલે તો વ્રત, તપ અને જપનો મહિનો : આરોગ્યની દ્રષ્ટિએ પૌષ્ટિક અને સંતુલિત આહારનું સેવન કરવું જોઈએ

મોરબી :
અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્,
બની બહારમ્, જલધારમ્,
દાદુર ડક્કારમ્, મયુર પુકારમ્,
તડિતા તારમ્, વિસ્તારમ્,
ના લહી સંભારમ્, પ્યાર અપારમ્,
નંદકુમારમ્ નિરખ્યારી, કહે રાધે પ્યારી,
હું બલિહારી, ગોકુળ આવો ગિરધારી..

અષાઢ મહિનો વિક્રમ સંવતનો નવમો મહિનો છે. આ મહિના પહેલાં જેઠ મહિનો હોય છે, જ્યારે શ્રાવણ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. અષાઢ મહિનામાં રથયાત્રા, ગૌરીવ્રત, અલૂણા (મોળાકત) તેમ જ દિવાસો જેવા તહેવારો આવે છે.

હિંદુ પંચાંગનો ચોથો મહિનો અષાઢ છે. સનાતન ધર્મમાં દર મહીનાને મહત્વપૂર્ણ જણાવ્યુ છે. અષાઢ મહીનો ખૂબ ખાસ ગણાય છે. જે હિંદુ ધર્મના પવિત્ર મહીનો હોય છે. આ મહિનામાં દેવશયની એકાદશી આવે છે. આ એકાદશી પછી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જતા રહે છે. અષાઢ મહિનો ભગવાન વિષ્ણુનો માસ માનવામાં આવે છે. આ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. અષાઢ મહિનામાં જ ગુરુ પૂર્ણિમાનો પર્વ ઊજવવામાં આવે છે. આ દિવસે ગુરુજનોની પૂજા કરવામાં આવે છે.

આ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને દેવશયની અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જતા રહે છે, જેથી 4 મહિના સુધી માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે. આ રીતે ચાતુર્માસની શરૂઆત થાય છે. આ દિવસોમાં લગ્ન, મુંડન, ગૃહ ઉષ્ણતા વગેરે જેવા તમામ શુભ કાર્યક્રમો પર પ્રતિબંધ છે.


આરોગ્યની દ્રષ્ટિએ અષાઢ મહિનો

અષાઢમાં વર્ષાઋતુનું આગમન થાય છે. જેથી, સંક્રમણનું જોખમ વધુ રહે છે. વાતાવરણમાં ફેરફાર થવાને કારણે આ મહિનામાં આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાનું રહે છે. આ દરમિયાન પૌષ્ટિક અને સંતુલિત આહારનું જ સેવન કરવું જોઈએ. આ મહિને રસદાર ફળોનું સેવન કરવું જોઈએ. તળેલી વસ્તુઓનું વધુ સેવન ના કરવું જોઈએ. વાસી ભોજન ના કરવું જોઈએ. બજારમાંથી જે પણ વસ્તુઓ લાવો તે સરખી ધોઈને જ વાપરવી જોઈએ.


અષાઢ મહિનો એટલે વ્રતનો મહિનો

અષાઢ મહિનો એટલે તો વ્રત, તપ અને જપનો મહિનો. અષાઢ મહિનાની દેવશયની એકાદશીથી ગૌરીવ્રતનો પ્રારંભ થાય છે. જ્યારે, અષાઢ સુદ તેરસથી થાય છે જયા પાર્વતી વ્રતની શરૂઆત. ગૌરીવ્રત કુમારિકાઓ, જ્યારે જયા પાર્વતી વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવંતી નારીઓ બંન્ને કરે છે. માન્યતા એવી છે કે આ વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાને મનગમતા માણીગરની પ્રાપ્તિ થાય છે. તો સૌભાગ્યવંતી નારીઓને અખંડ સૌભાગ્યના આશીર્વાદ તેમજ સ્વસ્થ સંતતિનું સુખ પ્રાપ્ત થાય છે.