મોરબીના માળીયા મિયાણા નજીક ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેકટરી ઝડપાઇ

- text


મોરબી જિલ્લામાં બુટલેગરો બેફામ, તાજા ભૂતકાળમાં નકલી દારૂની બીજી ફેકટરી ઝડપાઇ

મોરબી : મોરબી જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા હોવાની ગવાહી આપતી હકીકત વચ્ચે જિલ્લામાં ડુપ્લીકેટ દારૂ બનાવવાની વધુ એક ફેકટરી માળીયા તાલુકાના નવા દેવગઢ ગામેથી ઝડપાઇ છે, જ્યાં ભેજાબાજ ગેંગે રહેણાંક મકાનમાં ઇંગ્લીશ દારૂની બોટલોમાં કેમીકલ ભેળવી ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવી વેચાણ કરવા ફેકટરી શરૂ કરી નાખી હતી. મોરબી એલસીબી ટીમે સમગ્ર કારસ્તાન પકડી પાડી હાલના બે આરોપીઓને રૂ.૨,૭૯,૭૦૫ ના મુદામાલ સાથે પકડી પાડયા છે.

 

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે માળીયા તાલુકાના નવા દેવગઢ ગામે રહેતા જયદીપભાઇ જીવણભાઇ સવસેટા તથા જયરાજભાઇ જીવણભાઇ સવસેટા નામના બન્ને ભાઇઓ ભેગા મળી પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં સસ્તા ભાવના ઇગ્લીશ દારૂમા કેમીકલ ભેળવી ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવી બોટલોમાંથી પેકિંગ કરવાની કામગીરી કરે છે. જે બાતમીને આધારે એલસીબી ટીમે આરોપીઓના કબજા ભોગવટા વાળા મકાને દરોડો પાડતા ઇંગ્લીશ દારૂ, ખાલી બોટલો, સ્ટીકરો, ઢાંકણા, વિગેરે સાધનસામગ્રી મળી આવતા માળીયા મિયાણા તાલુકા પોલીસ મથકે ગુન્હો પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

વધુમાં નકલી વિદેશી દારૂ બનાવવાના આ ચકચારી પ્રકરણમાં એલસીબી પોલીસે આરોપી જયદીપભાઇ જીવણભાઇ સવસેટા અને જયરાજભાઇ જીવણભાઇ સવસેટા રહે.બન્ને નવા દેવગઢ વાળાની ધરપકડ કરી છે અને આરોપીઓની પૂછતાછમાં અલ્તાફભાઇ ઉર્ફે રાજા સોકતભાઇ ખોડ રહે. મોરબી જોન્સનગર, કિશન ઉર્ફે કાનો અશોકભાઇ પાટડીયા રહે.નાની વાવડી, તા.જી.મોરબી, લકકીરાજસિંહ દરબાર, ચિરાગ રહે.મોરબી, સાજીદ ઉર્ફે સાજલો લધાણી રહે.મોરબી અને બાલો સતવારો રહે.મોરબી વાળાના નામ ખુલ્યા છે, જેમાં લક્કીરાજસિંહ દરબાર વિરુદ્ધ આગાઉ પણ દારૂ મામલે કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

નકલી દારૂની ફેકટરી મામલે હાલમાં મોરબી પોલીસે મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની કાચની બોટલો નંગ-૧૨ કિ.રૂ.૪,૫૦૦, બ્લેકેન વાઇટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૭૫૦ મીલીની કાચની બોટલો નંગ-૦૪ કિ.રૂ.૭૨૦૦, ડુપ્લીકેટ તૈયાર કરેલ ઇગ્લીશ દારૂ પ્રવાહી લીટર-૪૦ કિ.રૂ.૨,૨૫,૦૦૦, મેકડોલ નંબર-૧ વ્હીસ્કીની ખાલી બોટલો નંગ-૩૮૪ કી.રૂ.૭૬૮૦, રોયલ સ્ટગ વ્હીસ્કીની ખાલી બોટલો નંગ-૭૮૦ કી.રૂ.૧૫,૬૦૦, બોટલો ઉપર લગાડવાના અલગ અલગ કંપનીના ઢાંકણા નંગ-૧૫૪૦ કિ.રૂ.૧૫૪૦૦, બોટલો ઉપર લગાડવાના સ્ટીકર નંગ-૨૨૦૦ સહિતનો મુદ્દામાલ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ એસ.આઇ.પટેલ, કે.એચ.ભોચીયા, કોન્સ્ટેબલ નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમાર, સંજયભાઇ રાઠોડ અને ભાવેશભાઇ મિયાત્રા સહિતના સ્ટાફે કરી હતી.

- text

- text