મોરબી પાલિકામાં જન્મ મરણ વિભાગમાં કોમ્પ્યુટરનું જ બાળમરણ !

- text


એક જ કોમ્યુટર પર કામગીરી થતી હોવાથી લાઈનો લાગી : દરરોજ વારો આવવાના ઈંતજારમાં રહેતા સેંકડો અરજદારોને પાલિકા કચેરીના ધરમધક્કા

મોરબી : ગુજરાત સરકારે જન્મના દાખલામાં આધારકાર્ડ મુજબ નામ કરી દેવાની જાહેરાત કરતા જ સેંકડો લોકો પોતાના જન્મના પ્રમાણપત્રમાં સુધારા કરવા દોડધામ કરવા લાગ્યા છે ત્યારે મોરબી પાલિકામાં આખા શહેર માટે માત્ર એક જ કોમ્પ્યુટર મારફતે કામગીરી કરવામાં આવી રહી હોવાથી શહેર અને બહારગામથી આવતા લોકોને કચેરીના ધરમધક્કા થઇ રહ્યાનું બહાર આવ્યું છે.

મોરબી નગરપાલિકામાં હાલમાં જન્મતારીખના દાખલામાં આધારકાર્ડ મુજબ નામ સુધારો કરાવવા માટે તેમજ નવા દાખલા માટે લોકો લાઈનો લગાવી રહ્યા છે પરંતુ સરકારના ઈ ઓળખ સોફ્ટવેરમાં પહેલા મલ્ટીપલ કોમ્પ્યુટરમાં લોગીગમાં ફેરફાર કરી સિંગલ કોમ્પ્યુટરમાં લોગીંગ જ થતું હોય સરકારની નવી સિસ્ટમથી સમસ્યા ઉદભવી છે. મોરબી નગરપાલિકામાં હાલ દરરોજ 150થી વધુ અરજદારો આવે છે પરંતુ એક જ કોમ્પ્યુટરમાં લોગીંગ થતું હોય લોકોને લાંબો સમય સુધી રાહ જોવી પડતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.

હાલમાં મોરબી નગરપાલિકામાં એક જ કોમ્પ્યુટર મારફતે જન્મ-મરણના દાખલ કાઢવામાં આવતા હોવાથી એક દાખલો કાઢતા 5 થી 10 મિનિટ થાય છે એમાંય ક્યારેક સર્વર ડાઉન થાય તો અડધી કલાકે માંડ એક દાખલો નીકળે છે. આ સંજોગોમાં ગામડેથી કામ ધંધો છોડીને આવતા લોકોને એક દાખલ માટે ક્યારેક આખો દિવસ લાઈન માં ઉભું રહેવું પડતું હોવાની ફરિયાદ ઉઠી છે. જો કે, આ અંગે પાલિકાએ અનેક વખત ઉપર રજૂઆત કરી હોવા છતાં કોઈ સોલ્યુસન થતું ન હોવાનું કર્મચારીઓ પણ જણાવી રહ્યા છે.

- text

- text