Morbi : રવાપર ગામની પાણી પુરવઠા યોજનાનું કુંવરજી બાવળીયાના હસ્તે લોકાર્પણ

- text


વિવિધ જૂથ યોજનાઓ થકી આગામી દિવસોમાં મોરબીનો પાણીનો પ્રશ્ન દૂર થશેઃ કુંવરજી બાવળીયા

મોરબી : આજે જળ સંપતિ અને પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા મોરબી ખાતે મચ્છુ- 2 આધારિત રવાપર ગામની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, રવાપર ગામના સરપંચ, ઇન્ચાર્જ કલેક્ટર જે. એસ. પ્રજાપતિ, પ્રાંત અધિકારી શુશીલ પરમાર, તથા તમામ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

લોકાર્પણ પ્રસંગે કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, 28 એમએલડીની ક્ષમતા ધરાવતો મોરબી જિલ્લાનો સૌથી મોટો ફિલ્ટર પ્લાન્ટ અને સ્ટોરેજ માટેનો ભૂગર્ભ સંપ આશરે 50 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આવતા દિવસોમાં આ પ્લાન્ટથી રવાપર અને આજુબાજુના વિસ્તારમાં જ્યાં પીવાનું પાણી મળતું ન હતું ત્યાં પીવાનું પાણી મળતું થશે. આ પ્લાન્ટ કાર્યરત થતાં પીવાનું શુદ્ધ પાણી ગ્રામ્ય વિસ્તારમાં 100 લિટર અને શહેરી વિસ્તારમાં 140 લિટર લેખે મળતું થશે.

અન્ય જૂથ યોજનાઓ અંગે માહિતી આપતા કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે, આગામી દિવસોમાં 37 કરોડના ખર્ચે બની રહેલી ટંકારા જૂથ પાણી પુરવઠા યોજના ટૂંક સમયમાં કાર્યરત થશે અને તેનાથી 1.45 લાખ ગ્રામ્ય વિસ્તારના લોકોને પીવાનું પાણી મળતું થશે. વાંકાનેરમાં પણ 50 કરોડના ખર્ચે બનવા જઈ રહેલી યોજનાથી ગ્રામ્ય વિસ્તારની 2 લાખની વસતીને પાણી મળતું થશે. આ ઉપરાંત મોરબી-માળિયા અને ટંકારા-પડધરી મત વિસ્તારમાં 1.88 લાખની વસતી ધરાવતા જે ગામડાઓ બાકી રહી ગયા છે તેમાં પણ 22 કરોડના ખર્ચે યોજના મંજૂર થઈ છે અને હાલ ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે. આ તમામ યોજના પૂર્ણ થતાં મોરબી જિલ્લાના તમામ ચારેય તાલુકામાં શુદ્ધ પીવાના પાણીની સમસ્યા દૂર થશે તેમ કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું.

- text

- text