બજરંગ દળ દ્વારા કોંગ્રેસ કાર્યાલય બહાર સૂત્રોચ્ચાર : બન્ને પક્ષ સામસામે આવી ગયા

- text


રાહુલ ગાંધીની હિન્દૂ વિશેની ટિપ્પણીને લઈ બજરંગ દળના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો, સામાપક્ષે કોંગ્રેસે પણ વિરોધ કરતા વાતાવરણ ગરમાયુ : પોલીસે સ્થિતિ કાબુમાં લીધી

મોરબી : રાહુલ ગાંધીની હિન્દૂ મુદ્દે ટિપ્પણીને લઈને રાજ્યના અનેક સ્થળોએ વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે મોરબીમાં પણ બજરંગ દળના આગેવાનો દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જો કે બન્ને પક્ષ સામસામે આવી ગયા હતા.બાદમાં પોલીસ દ્વારા આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી હતી.

રાહુલ ગાંધીના હિન્દૂ મુદેના નિવેદનને લઈને બજરંગ દળના આગેવાનો આજે નવા બસ સ્ટેન્ડ પાસે આવેલા કોંગ્રેસના કાર્યાલય સામે પહોંચ્યા હતા. જ્યાં સૂત્રોચ્ચાર સાથે રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આ વેળાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના આગેવાનોએ સામો વિરોધ કર્યો હતો.

આ વેળાએ પોલીસે પણ મામલો શાંત કરવાના પ્રયાસ કર્યા હતા. પણ જ્યાં સુધી બજરંગ દળના આગેવાનોની અટકાયત કરવામાં ન આવે ત્યાં સુધી ત્યાથી હટવાની કોંગ્રેસ અગ્રણીઓએ ના પાડી દીધી હતી. થોડી વાર માટે બન્ને પક્ષ એકબીજાની સામસામે આવી જતા મામલો ગરમાયો હતો. બાદમાં પોલીસે બજરંગદળના આગેવાનોની અટકાયત કરી હતી.


અમારી ઉપર કોંગ્રેસના નેતાઓએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો : બજરંગ દળ

બજરંગ દળના કાર્યકર્તા કમલભાઈ દવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સંસદમાં રાહુલ ગાંધીએ હિન્દૂ વિરોધી જે સ્પીચ આપી હતી તેના વિરોધમાં અમે કોંગ્રેસ કાર્યાલય બહાર શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસના નેતાઓએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. પણ પોલીસે સમય સુચકતા વાપરીને આ હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. અમારી એક જ માંગ છે રાહુલ ગાંધી આ નિવેદન બદલ માફી માંગે.

- text


હિંદુ દીકરી ઉપર અત્યાચાર થાય છે, ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી થાય છે ત્યારે આ સંગઠન ક્યાં હતા ? : શહેર કોંગ્રેસ પ્રમુખ

આ મામલે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ કહ્યું કે તેઓ રાહુલ ગાંધીના નિવેદનને સમર્થન આપે છે. ભાજપનું આઇટી સેલ આ ક્લિપને તોડી મરોડીને રજૂ કરી રહ્યું છે. વધૂમાં તેઓ કહ્યું કે જ્યારે હિંદુની દીકરી ઉપર અત્યાચાર થાય છે. ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી થાય છે.પેપર ફૂટે છે. ત્યારે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ ક્યાં હતા ? આ ભાજપના એજન્ડા ઉપર કામ કરે છે. પબ્લિસિટી સ્ટંટ કરે છે. અમારી કારોબારી બેઠક કાર્યાલય ખાતે ચાલી રહી હતી. ત્યારે અમારે આંગણે આવીને અમારા વિરુદ્ધ નારેબાજી થતી હતી. એટલે અમે પણ રાહુલ ગાંધી તુમ આગે બઢો હમ તુમારે સાથ હૈના નારા લગાવ્યા હતા.

- text