હળવદના યુવાનને સસ્તામાં આઈફોન વેચવાના નામે છેતરપિંડી કરનાર ગઠિયો પકડાયો

- text


ફેસબુકમાં 66 હજારનો ફોન 45,500મા વેચાવનું કહી કરી હતી છેતરપિંડી : રાજકોટ જેલમાંથી આરોપીનો કબજો લેવાયો

હળવદ : હળવદ તાલુકાના મંગળપુર ગામે રહેતા યુવાન સાથે ફેસબુકમાં સસ્તામાં આઈફોન વેચવાની જાહેરાત આપી રૂપિયા 45,500ની છતરપિંડી આચરવામાં આવતા હળવદ પોલીસે રાજકોટ જેલમાં બંધ રહેલા મૂળ સુત્રાપાડાના આરોપીનો કબજો લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ કેસની વિગત જોઈએ તો હળવદ તાલુકાના મંગળપુર ગામે રહેતા મયુર ગિરધરભાઈ ઉડેશા નામના યુવાને ફેસબુક ઉપર જયુભા ઝાલા નામની આઈડી ઉપર સસ્તામાં નવો આઈફોન 15 વેચવાની જાહેરાત જોઈ સંપર્ક કરતા સામે વાળા ગઠિયાએ કોન્ટેકટ નંબર આપી ફોન કરવાનું કહી હળવદ ખાતે સમીર મોબાઈલ વાળાને ત્યાં મોબાઈલ જોવા જવાનું કહેતા મયુર મોબાઇલની દુકાને જતા આરોપી જયદીપ વિઠ્ઠલભાઇ ઝાલાએ સમીર સાથે વાત કરી મોબાઈલ દેખાડવાનું કહેતા દુકાનદારે મોબાઈલ બતાવી આ મોબાઈલ 66000મા મળશે તેમ કહ્યું હતું.

- text

બાદમાં ભેજાબાજ ગઠિયો એવા આરોપી જયેશ ઉર્ફે જયદીપ વિઠ્ઠલભાઇ ઝાલા રહે.વસાવડ, સુત્રાપાડા હાલ રહે. સુરત વાળાએ ફોન મયુરને કહ્યું હતું કે તમે મને 45,500 ઓનલાઈન ટ્રાન્સફર કરો જેથી એ વેપારી તમને મોબાઈલ ફોન આપી દેશે, આમ કહ્યા બાદ ભેજાભાજ જયદીપ નામના શખ્સે રાજકોટના કોઈ ટેક્સીના ધંધાર્થી વિપુલ ભીમાણીનું ક્યુઆર કોડ મોકલી રૂપિયા 45,500 ટ્રાન્સફર કરાવી લીધા હતા. જો કે મયુરે રૂપિયા ટ્રાન્સફર કરવા છતાં હળવદના વેપારીએ ફોન ન આપતા આ બાબતે મયુરે મોબાઈલના ધંધાર્થીને કહેતા તેમને પેમેન્ટ ન મળ્યું હોય ફોન આપવાની ના પાડી હતી. બીજી તરફ આરોપી જયદીપે ટેક્સીના ધંધાર્થી પાસે ગાડી બુક કરાવી ભૂલથી વધુ પેમન્ટ આપ્યું હોવાનું કહી કેન્સલેશનના 1500 કપાવી બાકીના 44000 હડપ કરી ગયો હતો. આ વાતને ખાસો સમય વીતવા છતાં મોબાઈલ કે નાણાં પરત ન મળતા અંતે સમગ્ર મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ આરોપી જયેશ ઉર્ફે જયદીપ ઝાલા હાલમાં રાજકોટ મધ્યસ્થ જેલમાં હોવાનું માલુમ પડતા હળવદ પોલીસે આરોપી જયદીપ ઝાલાને મધ્યસ્થ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ ને આધારે કબજો મેળવી છેતરપિંડી મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text