મોરબીનું કલેકટર તંત્ર ખાડે ગયું હોવાનો ધારાસભ્ય મેવાણીનો આરોપ

- text


મોરબી ઝૂલતાપુલ અને ગામતળ સહિતના પ્રશ્નોની જડી વરસાવતા વડગામના ધારાસભ્ય મેવાણી

દલિત સમાજની સાથણીની જમીન લિઝમાં આપી દેવાઈ હોવાનો આરોપ

મોરબી : વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજકોટના અગ્નિકાંડને લઈ ઉપવાસ આંદોલન છેડયા બાદ હવે વડોદરાના હરણીકાંડ તેમજ મોરબીના ઝૂલતા પુલનો પ્રશ્ન હાથ ઉપર લઈ મંગળવારે મોરબી ગજાવી જિલ્લા કલેકટરને રજુઆત કરવા દોડી જઇ સાથે સાથે ગરીબ અને મધ્યમવર્ગને ગામતળના પ્રશ્નોને લઈ સરકાર જમીન ફાળવણી કરતી ન હોવાના આરોપ સાથે જિલ્લા કલેકટર મોરબીને થોકબંધ રજુઆત કરી મોરબી કલેકટર તંત્ર ખાડે ગયું હોવાના આરોપ લગાવતા ચકચાર જાગી છે.

મોરબીમા નિર્દોષ 135 લોકોનો ભોગ લેનાર ઝૂલતાપૂલ કેસ, હરણી બોટ દુર્ઘટના તેમજ રાજકોટ અગ્નિકાંડ સહિતની મોટી દુર્ઘટનામા સરકારને ઢાંકણીમા પાણી આપી સરકારને ડૂબી મરવા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવા માટે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મોરબી પહોંચ્યા હતા. જ્યાં પહોંચતા જ દલિત સમાજ તેમજ અન્ય ગરીબ વર્ગના ગામતળ, સાથણી સહિતના પ્રશ્નો હોવાનું સામે આવતા મંગળવારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મોરબી કલેકટર તંત્રને ઢંઢોળ્યું હતું.

ધારાસભ્ય મેવાણીએ જણાવ્યું હતું કે, મોરબી કલેકટર કચેરી બહાર બબ્બે વર્ષથી ગરીબ પછાત વર્ગના નાગરિકો ઘરથાળના પ્લોટ માટે આંદોલન કરી રહ્યા છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી, સાથે જ સાથણીની જમીન ગરીબ લાભાર્થીને આપવાને બદલે ખાણની લિઝ માટે નઘરોળ તંત્રએ આપી દીધી છે ત્યારે સમગ્ર રાજ્યમાં આવું કલેકટર તંત્ર તેમને જોયું ન હોવાનો આરોપ લગાવ્યો હતો.

મોરબીમાં મુકામ કરી પ્રજાના પ્રશ્નો મામલે જડી વરસાવનાર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જિલ્લા કલેકટર મોરબી સમક્ષ સર્કિટ હાઉસના કર્મચારીઓનું શોષણ થતું હોવાનો આરોપ લગાવી કોન્ટ્રાકટર લઘુતમ વેતન ન ચૂકવતા હોય પગલાં ભરવા માંગ કરી હતી

- text

બીજી તરફ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની રજુઆત બાદ મોરબી જિલ્લા કલેકટરે કહ્યું હતું કે, મોરબી જિલ્લાના ગામતળ અને સર્કિટ હાઉસના કર્મચારીઓને પૂરતું વેતન આપવામાં આવતું ન હોવાની મુખ્ય રજુઆત હતી જેમાં લેબર વિભાગને સાથે રાખી પ્રશ્ન ઉકેલવામાં આવશે સાથે જ ગામતળ નિમ કરવાની કામગીરી હાલમાં પ્રગતિમાં હોવાનું જણાવ્યું હતું.

- text