મોટી દુર્ઘટના ટળી ! વિદ્યાર્થીઓ પસાર થતા હતા ત્યારે જ પુલ તૂટ્યો

- text


હળવદના મયુરનગર – રાયસંગપર વચ્ચે બેઠો પુલ તૂટી પડ્યો, ગામ સંપર્ક વિહોણું : ઇસનપુરમા વોકળો આવી જતા વિદ્યાર્થીઓ રઝડયા

હળવદ : મોરબી જિલ્લામાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદ વચ્ચે આજે વહેલી સવારે હળવદ – રાયસંગપર અને મયુરનગર ગામને જોડતા બેઠા પુલ ઉપરથી વિદ્યાર્થીઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પુલ તૂટી પડતા મોટી દુર્ઘટના ટળી હતી. સાથે જ પુલ તૂટવાથી મયુરનગર સહિતના ગામોનો સંપર્ક તૂટ્યા જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. બીજી તરફ ઇસનપુરમાં પણ ભારે વરસાદથી વોકળો આવી જતા બાળકો શાળાએ જઈ શક્યા ન હતા.

મોરબી જિલ્લામાં અનરાધાર વરસાદની સાથે રાત્રીના હળવદ પંથકમાં પણ વરસાદ તૂટી પડતા બ્રાહ્મણી નદીમાં પુર આવતા મયુરનગર અને રાયસંગપર ગામ વચ્ચે આવેલો બેઠો પુલ આજે સવારે વિદ્યાર્થીઓ પુલ ઉપરથી પસાર થતા હતા ત્યારે જ પુલ તૂટી પડતા મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી. હાલમાં મયુરનગર ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા છે.

- text

બીજી તરફ મયુરનગર હળવદ વચ્ચે તૂટેલો આ પુલ ત્રણ વર્ષ પહેલા જ નિર્માણ થયો છે ત્યાંજ તૂટી જતા પુલમાં નબળું કામ થયું હોવાનું લોકો જણાવી રહ્યા છે. સાથે જ ચોમાસામાં આ સ્થિતિ દરવર્ષે નિર્માણ થતી હોય લોકો અહીં મોટો પુલ બનાવવા માંગ કરી રહ્યા છે. આજે દુર્ઘટના ઘટી ત્યારે વિદ્યાર્થીઓ મયુરનગર શાળાએ જતા હતા ત્યારે જ પુલ તૂટતા અડધા વિદ્યાર્થીઓ એક તરફ અને અડધા વિદ્યાર્થીઓ બીજી તરફ રહી ગયા હતા.

રાયસંગપર – મયુરનગર વચ્ચેનો પુલ તૂટતા રાયસંગપર ગામના અનેક વિદ્યાર્થીઓ આજે મયુરનગર શાળાએ પહોંચી શક્યા ન હતા. એ જ રીતે હળવદના ઇસનપુર ગામે ગતરાત્રીના ભારે વરસાદ બાદ વોકળામા પુર આવતા ઇસનપરના બાળકો પણ શાળાએ જઈ શક્યા ન હોવાના અહેવાલો મળી રહ્યા છે.

- text