NEET પરીક્ષામાં થયેલા ગોટાળા મામલે વાંકાનેર કોંગ્રેસ સમિતિનું વિરોધ પ્રદર્શન

- text


દોષિતો સામે પગલાં લઈ પરીક્ષા ફરીથી યોજવા માંગ

વાંકાનેર : NEETની પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને ગોટાળા મામલે વાંકાનેર શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આ મામલે પ્રાંત અધિકારી મારફતે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે જ કોંગ્રેસ દ્વારા NEET ગોટાળામાં દોષિતો સામે કડક પગલાં ભરી ફરીથી પરીક્ષા યોજવા માંગ કરવામાં આવી હતી.

વાંકાનેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ વાંકાનેર સેવા સદન કચેરી ખાતે NEETની પરીક્ષામાં થયેલા ગોટાળા મામલે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ ગોટાળા મામલે રાષ્ટ્રપતિને સંબોધીને વાંકાનેર પ્રાંત અધિકારી મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પરીક્ષામાં ગોટાળાઓ કરનાર દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી વાંકાનેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી હતી. મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય મામલે NEETની પરીક્ષા ફરીથી લેવાની માંગ કરવામાં આવી હતી.

વાંકાનેર કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવાયું હતું કે, NEET-UG જેવી પરીક્ષામાં ગોટાળાઓ થાય તે અતિ ગંભીર બાબત છે. આ પરીક્ષામાં અનેક ક્ષતિઓ સામે આવી છે. આ માનવીય ભુલો નથી પણ જાણી જોઈને કરાયેલો એક ગંભીર ગુનો છે. પ્રશ્નપત્ર કેવી રીતે લીક થયું તે અંગે પણ કોંગ્રેસ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા છે. ગોધરામાં પૈસા લઈને આખું સેન્ટર વેચાઈ ગયું તેના પર પણ કોંગ્રેસે પ્રહાર કર્યા છે. પરીક્ષા લેનાર NTAની દર વર્ષે કોઈ ને કોઈ ગેરરીતિ સામે આવે છે તેથી આવી મોટી પરીક્ષાનું આયોજન કરવા માટે NTA સક્ષમ નથી. આથી NEETની પરીક્ષા ફરીથી લેવામાં આવે અને NTA સિવાયની અન્ય સક્ષમ સંસ્થાને પરીક્ષાના આયોજનની જવાબદારી સોંપવામાં આવે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટેનું આગોતરું આયોજન અને નીતિઓ ઘડવામાં આવે તેવી પણ વાંકાનેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે.

- text

આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાત યુવક કોંગ્રેસના પ્રદેશ મંત્રી અને મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ડો. રૂકમુદ્દીન માથકીયા, વાંકાનેર કોંગ્રેસ સમિતિના શકીલ પીરઝાદા, ગુલામભાઈ પરાસરા, અરવિંદભાઈ આંબલીયા, જશુભાઈ ગોહિલ, ઉસ્માનભાઈ માથકીયા, આબિદ ગઢવાળા, ફારૂકભાઈ કડીવાર, નાથાભાઈ ગોરિયા, મયુદ્દીનભાઈ ચૌધરી, મુનીરભાઈ પરાસરા, હાસમભાઈ બાંભણીયા, એહમદભાઈ માથકીયા, હનીફભાઈ શેરસીયા. મુસ્તુફા કડીવાર અને એમ.જે. પટેલ સહિતના લોકો જોડાયા હતા.

- text