શિક્ષણ, આરોગ્ય અને રસ્તા પ્રશ્ને જિલ્લા પંચાયતની સામાન્યસભામાં ધારાસભ્ય સોમાણીની સટાસટી

- text


નબળી કામગીરી કરતા જિલ્લા આરોગ્ય અધિકારીને સરકારમાં પરત મોકલવા ઠરાવ 

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની સામાન્યસભામા લાંબા સમય બાદ આજે ગરમાવો જોવા મળ્યો હતો અને વિપક્ષની કામગીરી ચૂંટાયેલી પાંખે કરી હોય તેમ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ સામાન્યસભામાં જિલ્લા પંચાયતના અધિકારીઓનો રીતસરનો ઉધડો લઈ પૈસા વગર લોકોના કામ ન થતા હોવાનો આરોપ લગાવી રોડ-રસ્તાના નબળા કામો અંગે ધારાસભ્યને પણ અધિકારી ગંઠાતા ન હોય શાનમાં સમજી જવા તાકીદ કરી હતી. બીજી તરફ સામાન્ય સભામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતા દવે પદાધિકારી સાથે સંકલન કરીને કામગીરી ન કરતા હોવાની સાથે જ પદાધિકારીઓને પણ ગાંઠતા ન હોય સરકારના હવાલે પરત મુકવાનો પ્રમુખ સ્થાનેથી ઠરાવ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

મોરબી જિલ્લા પંચાયતની સામાન્યસભા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની હાજરીમાં યોજાઈ હતી જેમાં ઉપપ્રમુખ હીરાલાલ ટમારીયાએ બે જયારે કારોબારી સમિતિના અધ્યક્ષે 20 જેયારે વિરોધ પક્ષના ભુપતભાઇ ગોધાણીએ 10 જેટલા પ્રશ્નો રજૂ કાર્ય હતા. હીરાલાલ ટમારીયાએ 1980 પછી જ્યાં ગામોમાં ગામ તળો નીમ નથી થયા ત્યાં ગામતળ નીમ કરવા જણાવતા ડીડીઓએ જણાવ્યું હતું કે હાલ અમે તમામ પાસેથી આ અંગેની વિગતો મંગાવી રહ્યા છીએ અને એક મહિનામાં 21 દરખાસ્તો આવી છે જે. મામલતદારોને મોકલી આપવામાં આવૈ છે. જયારે પ્રમુખ અને સરકારી કર્મચારીઓ માટેના નિવાસ સ્થાન માટે ઝડપથી કાર્યવાહી કરવી જરૂરી હોવાની રજૂઆત કરી હતી.

જયારે વિરોધ પક્ષના નેતાએ બાંધકામ શાખામાં કેટલી જગ્યા ખાલી છે તે અંગેનો સવાલો કાર્ય હતા તેના જવાબમાં જિલ્લા પંચાયત અને પેટ વિભાગની કચેરીમાં કુલ 51 જગ્યામાંથી 25 જગ્યા ભરેલી અને 26 જગ્યા ખાલી હોવાનું જણાવ્યું હતું આ અંગે સભ્યએ જણાવ્યું હતું કે મહત્વના વિભાગમાં આટલા સ્ટાફની ઘાટ હોય તો લોકોના કામ કેવી રીતે થાય, આના કારણે જ રોડના પ્રશ્નો વધ્યા હોવાનું જણાવ્યું હતું. જયારે પીએચસીમાં 76 ડોક્ટરોની જગ્યા માંથી 54 ભરેલી છે અને 22 ખાલી છે. ત્યારે બોન્ડેડ ડોકટરો હાજર રહેતા નથી અને હાલતા રજા ઉપર ઉતરી જાય છે જેથી ગ્રામ્ય વિસ્તરણ લોકોનો આરોગ્ય રામ ભરોસે થઇ ગયું છે , ટંકારામાં4 પીએચસીમાંથી એક પણમાં ડોક્ટર ભરેલા ન હોવાનું જણાવ્યુ હતું.

સામાન્યસભામાં હાજર વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ જણાવ્યું હતું કે અધિકારીઓ પાસે અમે માહિતી માંગીએ છીએ છતાં આપતા નથી તો લોકોની રજૂઆતો શું સાંભળતા હશે ? આવા કર્મચારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ અને જણાવ્યું હતું કે હાલમાં બનતા રોડમાં અધિકારીઓ ભષ્ટ્રાચાર કરે છે અને નિયમ મુજબ કામ નથી કરતા અને નાના લોકોના કામ કરતા નથી અને મોટા લોકના ટેબલ નીચેથી પૈસા લઈને કામ કરે છે અને જણાવ્યું હતું કે જો ધારાસભ્યને માહિતી નથી આપતા તો અમે શું અહીં મંજીરા વગાડવા આવી એ છીએ ? તેવો સવાલ કરી અધિકારીઓને બરાબરના તતડાવ્યા હતા.

સાથે જ કારોબારી ચેરમેને જણાવ્યું હતું કે મારા બે વિસ્તારના રોડના કામો યોગ્ય ન થયા હોવાથી પેમેન્ટ ન કરવા અને કામગીરી યોગ્ય કરવા લેટર લખ્યો હતો છતાં અધિકારીએ તેને ચુકવનનું કરી નાખ્યું છે, સાથે જ કહ્યું હતું કે, અધિકારીઓ ચેરમેનોની રજૂઆતો કચરા ટોપલીમાં નાખી દઈ ગાંઠતા નથી તો લોકોને શું જવાબ આપતા હશે.જિલ્લાના 213 કિમીના 52 રસ્તા ગેરંટી પિરિયડમાં છે અને તેમાંથી ઘણા રોડ તૂટી ગયા છે છતાં તેના કોન્ટ્રાકટરો સામે કોઈ કાર્યવાહી થતી નથી જયારે રોડના કામો અંગે પ્રશ્નોની ઝંડી વરસતા ડીડીઓએ એજન્સી સામે પગલાં લેવામાં આવશે અને ગુણવતામાં સહેજ પણ બાંધછોડ કરવામાં આવશે નહિ તેમ જણાવ્યું હતું.

- text

જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાલાલ ટમારીયાએ સામાન્યસભામાં જણાવ્યું હતું કે અધિકારીઓને પૈસા ખાવા છે અને અમારા પ્રશ્નોના કે કામગીરી અંગેના યોગ્ય જવાબ ન આપી ને અમોને દબાવવા છે .જયારે અજય લોરિયાએ પણ જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ કોન્ટ્રાક્ટરને છાવરે છે, નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા સભામાં ઠરાવ કરવામાં આવ્યો હોવા છતાં તેને બ્લેક લિસ્ટ કરતા ન હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

જયારે પ્રવેશોત્સવમાં શાળા દીઠ કેટલો ખર્ચ આપવામાં આવે છે તેના જવાબમાં એક શાળા દીઠ 500 નો ખર્ચ કરવામાં આવે છે. જયારે ભાજપ – કોંગ્રેસ બંને એ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પ્રવેશોત્સવ વખતે જિલ્લા પંચાયતના સભ્યો ને જાણ કરવામાં આવી ન હતી. એટલે શિક્ષણ સખા દ્વારા રાજ્ય સરકારની જે જાણ ભાગીદારી વધારવા માટે આવા કાર્યક્રમનો કરવામાં આવૅ છે જેમાં સભ્યોને આમન્ત્રિત નહિ કરીને સરકારની કામગીરી નબળી કરવાની વાત હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

જયારે કારોબારી ચેરમેન પ્રવીણ સોનગ્રાએ જિલ્લાની પ્રાથમિક ખાનગી શાળા કેટલી છે અને તેમાં કેટલી શાળામાં મેદાન છે અને મેદાન છે તો કઈ જગ્યાએ છે. ખાનગી શાળાના શિક્ષકો કેટલા ક્વોલિફાઈડ છે. તે અંગે નો પ્રશ્ન પૂછતાં 196 જેટલી ખાનગી શાળાઓમાંથી 169 માં મેદાન છે જેમાંથી ઘણી બધી શાળામાં એક કિલોમીટર દૂર સુધીના મેદાનો હોવાનું અને ખાનગી શાળામાં 2322 શિક્ષકો છે જે તમામ ક્વોલિફાઈડ હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું. આ તકે ધારાસભ્ય સોમાણી અને સભ્યોએ તેનું ચેકીંગ કરવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે ઘણા બધા શિક્ષકો ક્વોલિફાઈડ નથી. જયારે સરકારી શાળામાં કેટલા ઓરડાની ઘટ છે અને કેટલામાં બાંધકામ ચાલુ છે ના પ્રશ્નમાં 173 નવા ઓરડાનું બાંધકામ મંજુર થયું છે. જેમાં 100 પ્રગતિ હેઠળ અને 13 નું બાંધકામ પૂરું થઇ ગયું છે જયારે હજુ 261 ઓરડાની ઘટ હોવાનું સત્તાવાર રીતે જણાવ્યું હતું.

સામાન્ય સભામાં મોરબી જિલ્લાના 250 જેટલા આરોગ્યના આઉટ સોર્સ કર્મચારીઓનું એજન્સી દ્વારા શોષણ કરવાંમાં આવતું હોવાનું તેમજ દર મહિને તેમના પગાર માંથી યુનિફોર્મ અને કાર્ડના નામે 357 રુપપિયા કાપી લેવાં આવતા હતા પરંતુ તેમને યુનિફોર્મ આપવામાં આવતો નથી અને તેમને પગાર પણ બે થી ત્રણ મહિના મોડો મળતો હોવાનો પ્રશ્ન ઉઠતા આ અંગે ડીડીઓએ એજન્સીના સંચાલકોને બોલાવી ને તેને સમયસર પગાર મળે તે અંગે ની કાર્યવાહી કરવા જણાવ્યું હતું

જયારે 15 માં નાણાં પંચના કામોમાં દરેક સભ્યને 10-10 લાખના કામો સુચવવાના હોય છે જેમાં વિરોધ પક્ષના સભયોને પૂછ્યા વગર આખા જિલ્લાના કામો નક્કી કરી નાખતા આ અંગે ભાજપ – કોંગ્રેસના સભ્યો વચ્ચે 10 મિનિટ સુધી ઉગ્ર બોલાચાલી થઇ હતી. વિરોધ પક્ષે જણાવ્યું હતું કે અમારા વિસ્તારના કામો ન કરવા માટે અમોને પૂછ્યા વગર આયોજન કરી નાખ્યું ત્યાર પછી બહુમતીના જોરે તે મંજુર કરવામાં આવ્યું આ બેઠક્માં પ્રમુખ હંસાબેન પારેઘી, ઉપપ્રમુખ હીરાલાલ ટમારીયા, ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, ડીડીઓ જે. એસ. પ્રજાપતિ, ડે.ડીડીઓ નિશાંત કુગશીયા, જિલ્લા પંચાયતના ચેરમેનો, અધિકારીઓ અને સડ્યો હાજર રહ્યા હતા.

- text