ચેતજો ! હળવદના યુવાનને સસ્તામાં આઈફોન લેવો ભારે પડ્યો, 45,500 ગુમાવ્યા

- text


ફેસબુકમાં એડ જોઈ ફોન કરતા 66 હજારનો ફોન 45,500મા લેવા જતા ગઠિયો કળા કરી ગયો

હળવદ : હળવદ તાલુકાના મંગળપુર ગામે રહેતા યુવાનને ફેસબુકમાં એડવર્ટાઈઝ જોઈને સસ્તામાં આઈ ફોન 15 મેળવવા જતા રૂપિયા 45,500 ખોવાનો વારો આવ્યો છે, ફેસબુકમાં એડ જોઈને ફોન લેવા જતા ભેજાબાજ શખ્સે હળવદના મોબાઈલ ધંધાર્થી સાથે ભેટો કરાવી ઓનલાઈન નાણાં મેળવી લઈ એ નાણાં રાજકોટના ટેક્સીવાળા પાસે ટ્રાન્સફર કરાવી આ નવતર છતરપિંડી કરતા પોલીસ પણ ચકરાવે ચડી હતી. હાલ આ મામલે ફેસબુકમાં ખોટી આઈડી બનાવનાર રાજકોટના ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

છેતરપિંડીના આ ચોંકાવનારા બનાવ અંગેની વિગતો જોઈએ તો હળવદ તાલુકાના મંગળપુર ગામે રહેતા મયુર ગિરધરભાઈ ઉડેશા નામના યુવાને ફેસબુક ઉપર જયુભા ઝાલા નામની આઈડી ઉપર સસ્તામાં નવો આઈફોન 15 વેચવાની જાહેરાત જોઈ સંપર્ક કરતા સામે વાળા ગઠિયાએ કોન્ટેકટ નંબર આપી ફોન કરવાનું કહી હળવદ ખાતે સમીર મોબાઈલ વાળાને ત્યાં મોબાઈલ જોવા જવાનું કહેતા મયુર મોબાઇલની દુકાને જતા આરોપી જયદીપ વિઠ્ઠલભાઇ ઝાલાએ સમીર સાથે વાત કરી મોબાઈલ દેખાડવાનું કહેતા દુકાનદારે મોબાઈલ બતાવી આ મોબાઈલ 66000મા મળશે તેમ કહું હતું.

- text

બાદમાં ભેજાબાજ ગઠિયાને ફોન કરતા મયુરને કહ્યું હતું કે તમે મને 45,500 ઓનલાઈન ટ્રાન્સફર કરો જેથી એ વેપારી તમને મોબાઈલ ફોન આપી દેશે, આમ કહ્યા બાદ ભેજાભાજ જયદીપ નામના શખ્સે રાજકોટના કોઈ ટેક્સીના ધંધાર્થી વિપુલ ભીમાણીનું ક્યુઆર કોડ મોકલી રૂપિયા 45,500 ટ્રાન્સફર કરાવી લીધા હતા. જો કે મયુરે રૂપિયા ટ્રાન્સફર કરવા છતાં હળવદના વેપારીએ ફોન ન આપતા આ બાબતે મયુરે મોબાઈલના ધંધાર્થીને કહેતા તેમને પેમેન્ટ ન મળ્યું હોય ફોન આપવાની ના પાડી હતી. બીજી તરફ આરોપી જયદીપે ટેક્સીના ધંધાર્થી પાસે ગાડી બુક કરાવી ભૂલથી વધુ પેમન્ટ આપ્યું હોવાનું કહી કેન્સલેશનના 1500 કપાવી બાકીના 44000 હડપ કરી ગયો હતો. આ વાતને ખાસો સમય વીતવા છતાં મોબાઈલ કે નાણાં પરત ન મળતા અંતે સમગ્ર મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text