ટંકારાના લજાઈ ગામે ખનીજ ચોરી : તાલુકા પંચાયતના સદસ્યનું મશીન પકડાયું

- text


ખાણ ખનીજ વિભાગે એક ડમ્પર અને એક્સકેવેટર મશીન પોલીસને સોંપ્યું : તાલુકા પંચાયતના સદસ્ય કહે છે ખેડૂતના પાળા ધોવાતા હોય માટી કાઢી

મોરબી : મોરબી ખાણ ખનીજ વિભાગે ટંકારા તાલુકાના લજાઈ નજીક ભીમનાથ મહાદેવ મંદિર પાસેથી સાદી માટી ભરેલું ડમ્પર પકડી પાડી બાદમાં જ્યાંથી માટીનું ખોદકામ કરાયું હતું તે સ્થળેથી ટંકારા તાલુકા પંચાયતના સદસ્યની માલિકીનું એક્સકેવેટર મશીન પકડી પાડી બન્ને વાહનો ટંકારા પોલીસને સોંપી આપ્યા હતા. બીજી તરફ તાલુકા પંચાયતના સદસ્યએ ખેડૂતના પાળા માટે તેમજ શાળા પ્રવેશોત્સવ સ્થળે કાદવ કીચડ થયા હોય ત્યાં માટી નાખવા જતા રાગદ્વેષ પૂર્વક ખનીજ ચોરીનો કેસ કરાયનું જણાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રીના સમયે મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેર અને તેમની ટીમના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રવિ કણસાગરા અને રાહુલ મહેશ્વરી દ્વારા લજાઈ નજીક ભીમનાથ મહાદેવ જવાનાં રસ્તેથી ડમ્પર નંબર GJ-36-V-7700 ને સાદી માટી ખનીજનાં રોયલ્ટી પાસ વગર વહન કરતાં અટકાવી ખોદકામ વાળી જગ્યાની તપાસ કરતાં સનાતન પોલીમર્સ કારખાના, ગધા ડેમ, લજાઈ પાસેથી ડમ્પર અને મસીનમાં માલિક પંકજભાઈ દયારામભાઈ મસોત રહે. લજાઈની માલિકીનું હ્યુન્ડાઇ કંપનીનું પીળા કલરનું એક્સકેવેટર મશીન સાદીમાટી ખનીજના ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ પકડવામાં આવેલ હતું. આ સમગ્ર કામગીરીમાં ભુસ્તરશાસ્ત્રી અને એમની ટીમ દ્વારા ઉપરોક્ત ડમ્પર અને એક્સકેવેટર મશીન ને સીઝ કરી માપણી કરી આગળની દંડકીય કામગીરી માટે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સપવામાં આવેલ છે.

- text

બીજી તરફ ટંકારા તાલુકા પંચાયતના વિપક્ષી સભ્ય પંકજ દયારામ મસોતે જણાવ્યું હતું કે, ગામમાં શાળા પ્રવેશોત્સવ સમયે શાળા નજીક કાદવ કીચડ હોય ત્યાં માટી નાખવામાં આવતી હતી તેમજ ખેડૂતના ખેતરમાં પાળાનું ધોવાણ અટકાવવા માટી નાખવામાં આવતી હતી જે તમામ પુરાવા દેખાડવા છતાં ખાણ ખનીજ વિભાગે રાગદ્વેષ પૂર્વક કાર્યવાહી કર્યાનો આરોપ લગાવ્યો હતો.

- text