મોરબી જિલ્લામાં આગોતરા વાવેતરમાં 40 ટકા ઘટાડો

- text


મોરબી, માળીયા મિયાણાના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડયા બાદ હવે વાવેતર થશે

મોરબી : સીરામીક ઉદ્યોગ થકી વિશ્વભરમાં નામના મેળવનાર મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં વૈવિધ્યપૂર્ણ ખેત ઉત્પાદનમાં પણ સારી એવી નામના ધરાવે છે, ખાસ કરીને નર્મદા યોજનાનો સિંચાઈનો લાભ મળતા જિલ્લામાં હળવદ તાલુકો ખેત ઉત્પાદનમાં અવલ્લ બની ગયો છે ત્યારે આ વર્ષે પણ હળવદ તાલુકામાં સૌથી વધુ આગોતરું વાવેતર થયું છે. જો કે, કેનાલ રિપેરિંગને કારણે પાણી મોડું મળતા ઓણ સાલ મોરબી જિલ્લામાં આગોતરા વાવેતર વિસ્તારમાં 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.સાથે જ ખેડૂતોએ વાવેતરની પેટર્ન બદલી હોય તેમ કપાસના વાવેતરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

મોરબી જિલ્લા ખેતીવાડી વિભાગના સતાવાર આંકડા મુજબ મોરબી જિલ્લામાં સિંચાઇની સુવિધાને કારણે વર્ષ 2023માં જૂન માસના અંત સુધીમાં આગોતરું વાવેતર 2,91,560 હેકટર વિસ્તારમાં વાવેતર થયું હતું જે વર્ષે 2024માં 40 ટકા જેટલા ઘટાડા સાથે 1,82,763 હેક્ટરમાં વાવેતર થયું હોવાના આંકડા સામે આવ્યા છે. મોરબી જિલ્લામાં ખાસ કરીને ખરીફ સીઝનમાં મગફળી અને કપાસનું વાવેતર વિશેષ રૂપે જોવા મળે છે ત્યારે વર્ષ 2024માં ખેડૂતોએ કપાસના આગોતરા વાવેતરમાં ઘટાડો કરતા ઓણસાલ 40 ટકા કપાસનું વાવેતર ઘટ્યું છે.

વધુમાં મોરબી જિલ્લામાં વર્ષ 2024ના જૂન માસના અંતિમ ભાગ સુધીમાં મગફળીનું 54,575 હેક્ટરમાં, કપાસનું 1,24,060 હેકટમાં, ઘાસચારો 3150 હેક્ટરમાં શાકભાજી 813 હેક્ટરમાં અડદ 50 હેક્ટરમાં અને મગ 40 હેક્ટરમાં વાવેતર થયું છે. કપાસનું સૌથી વધુ વાંકાનેરમાં 40,595 હેક્ટરમાં, હળવદમાં 33,750 હેક્ટરમાં, મોરબીમાં 27,000 હેક્ટરમાં, ટંકારામાં 18,200 હેક્ટરમાં, માળિયામાં 715 હેક્ટરમાં થયું છે. જયારે મગફળીના વાવેતરના આંકડા જોઈએ તો હળવદમાં 25,635 હેક્ટરમાં, ટંકારામાં 16,100 હેક્ટરમાં, મોરબીમાં 11,500 હેક્ટરમાં, વાંકાનેરમાં 1305 હેક્ટરમાં, અને માળિયામાં 35 હેક્ટરમાં વાવેતર થયું હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે.

હળવદ તાલુકામાં સૌથી વધુ આગોતરું વાવેતર

નર્મદા કેનાલથી ભરપૂર હળવદ તાલુકો ખેત ઉત્પાદનમાં સૌથી મોખરે રહે છે ત્યારે ઓણસાલ પણ હળવદ તાલુકો આગોતરા વાવેતરમાં મોખરે રહ્યો છે. મોરબી જિલ્લામાં જૂન મહિનાના અંત સુધીમાં સૌથી વધુ આગોતરું વાવેતર હળવદ તાલુકામાં 65,100 હેક્ટરમાં થયું, ત્યાર પછી વાંકાનેરમાં 42,688, મોરબીમાં 39,155, ટંકારામાં 35,070 જયારે માળીયા મીયાણા તાલુકામાં સૌથી ઓછું 750 હેકટર વિસ્તારમાં જ આગોતરું વાવેતર થયું હોવાંના આંકડા સામે આવ્યા છે.

- text

- text