મોરબીમાં ડમ્પિંગ સાઈટ ઉપર કચરાના ડુંગરને હટાવવા યુદ્ધના ધોરણે કામગીરી

- text


15 વર્ષથી જમા થયેલો 3.5 લાખ ટન કચરો હટાવવા માટે થશે કરોડોનો ખર્ચ

મોરબી : મોરબી શહેરમાંથી નીકળતો કચરો હાલમાં રફાળેશ્વર નજીક આવેલી ડમ્પિંગ સાઈટ ઉપર ઠાલવવામાં આવી રહ્યો હોવાથી પ્રદુષણ થવાની સાથે અહીં કચરાનો વિશાળ ડુંગર ખડકાઈ જતા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા કચરાના ડુંગરને હટાવવા કડક તાકીદ કરવામાં આવતા મોરબી પાલિકા દ્વારા અંદાજે 3.5 લાખ ટન કચરો હટાવવા ખાનગી કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે અને યુદ્ધના ધોરણે કામગીરી કરી હાલમાં 2.37 લાખ ટન કચરાનો નિકાલ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

મોરબી પાલિકા દ્વારા શહેરમાં ઘેર-ઘેરથી એકત્રિત કરવામાં આવતો કચરો તેમજ જાહેર ન્યુસન્સ પોઇન્ટ ઉપરથી નીકળતો કચરો એકત્રિત કરી રફાળેશ્વર પાસે આવેલ ડમ્પિંગ સાઈટમાં ડમ્પ કરવામાં આવે છે. જો કે અંદાજિત 4 હેક્ટરમાં પથરાયેલ મોરબીની લેન્ડફીલ સાઈટ ઉપર છેલ્લા 15 વર્ષથી ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો ન હોવાથી હાલમાં અહીં ભયંકર દુર્ગંધ મારતા કચરાના રીતસરના ડુંગર ખડકાઈ ગયા હતા અને અંદાજે 3,50,000 ટન જેટલો ઘન કચરો એકઠો થઇ જવા પામ્યો છે.

બીજી તરફ મોરબીમાં ઘન કચરાના નિકાલ મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા જુલાઈ માસની સમયમર્યાદા નક્કી કરી કડક આદેશ આપતા છેલ્લા ત્રણ માસથી ખાનગી કોન્ટ્રાકટર દ્વારા કચરાની પ્રોસેસ શરુ કરવામાં આવી છે. અહીં લેન્ડફીલ સાઈટ ઉપરથી આ ત્રણ મહિનાના સમયગાળામાં અંદાજે 2,37, 000 ટન જેટલો કચરો ઉપાડવામાં આવ્યો છે, અને હજુ દિવસ રાત કામગીરી ચાલુ છે. હાલમાં ખાનગી કોન્ટ્રાકટર દ્વારા 3 પાવર સ્ક્રીનર દ્વારા કચરાનું વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે જેમાં એક 1500 ટનનું, બીજું 1000 ટનનું અને ત્રીજું 500 ટન કચરનું વર્ગીકરણ કરી શકે તેવા ત્રણ મશીન ચાલુ છે. અને કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે નગર પાલિક દ્વારા એક ટનના 300 લેખે ચુકવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.

- text

- text