ચોમાસામાં કેવી રીતે રહેશો સ્વસ્થ ? જાણો મોરબીના ડો. મનીષ સનારિયા પાસેથી

- text


મોરબી : ચોમાસાની ઋતુ શરૂ થઈ ચુકી છે. ચોમાસામાં રોગચાળો વધી જતો હોય છે. વરસાદના કારણે વાતાવરણમાં ભેજ હોવાથી વાયરસ, બેક્ટેરિયા અને ફંગસ જેવા શુક્ષ્મ જીવો મોટા પ્રમાણમાં વૃદ્ધિ પામે છે અને રોગચાળો ફાટી નીકળે છે. ત્યારે આ ચોમાસાની ઋતુમાં કેવી રીતે સ્વસ્થ રહેશો તે અંગેના કેટલાક સોનેરી સૂચનો મોરબીની સ્પર્શ હોસ્પિટલના ડો. મનીષ એ. સનારિયાએ જણાવ્યા છે.

ચોમાસામાં સ્વસ્થ રહેવાનાં સોનેરી સૂચનો
વર્ષની ત્રણે ઋતુઓમાં ચોમાસામાં વધારે રોગચાળો જોવા મળે છે, કારણ કે આ ઋતુમાં વરસાદને કારણે વાતાવરણમાં ખૂબ ભેજ હોય છે. જેમાં વાયરસ, બેક્ટેરિયા, ફંગસ જેવા સૂક્ષ્મ જીવો મોટા પ્રમાણમાં વૃધ્ધિ પામતા હોય છે. આ સુક્ષ્મ જીવાણુઓ શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશે છે. સૌ પ્રથમ તો નાક, ગળું, કાકડા વગેરેમાં પ્રવેશે છે અને ત્યાં વૃદ્ધિ પામે છે. જેથી શરદી, ઉધરસ વગેરે થાય છે, કાકડામાં સોજો આવે છે અને ઇન્ફેકશન લાગે છે. આ સુક્ષ્મ જીવાણુઓ જો ફેફસા સુધી પહોંચી જાય તો ન્યુમોનિયા અથવા ભારે કફ, ભરણી જેવા રોગો થાય છે. ખાસ કરીને અસ્થામા, શ્વાસ, ભરણી અને એલર્જીના દર્દીઓ આ ઋતુમાં વધારે જોવા મળે છે. વાતાવરણમાં રહેલ ધૂળ, ધુમાડો, રજકણ ખાસ કરીને પ્રદૂષણ આ રોગોમાં વૃધ્ધિ કરે છે. ચોમાસામાં સ્વચ્છતાનો સૌથી મોટો પ્રશ્ન હોય છે. ખાસ કરીને ગામડામાં ઉકરડા અને કચરાના ઢગલા પર વરસાદનું પાણી પડે ત્યારે ગંદકી થાય છે. જેના પર માખી, મચ્છર વગેરે બેસે છે. પછી આ જંતુઓ પાણી અને ખોરાક પર બેસીને તેને રોગીષ્ટ બનાવે છે. એટલે ચોમાસામાં સ્વસ્થ રહેવું હોય તો તેની પ્રથમ અને મોટી શરત છે, સ્વચ્છતા. સ્વચ્છતા હશે સ્વસ્થતા જળવાશે.

- text

ચોમાસામાં થતા રોગો અને તેનાં લક્ષણો

ન્યુમોનિયા, ભરણી, સ્વસ્થમા : શરદી, ઉધરસ, ઠંડી લાગવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, કણસવું વગેરે. મરડો-ઝાડાઃ પેટમાં દુઃખાવો, ઊબકા, ઊલટી, ચીકાશવાળો મળ થવો, સંડાસમાંથી લોહી પડવું.
મલેરિયા, ડેન્ગ્યુ : માથાનો દુખાવો, ઊલટી, ઊબકા, ટાઢિયો તાવ, કળતર, શરીરમાં દુખાવો, આંખો દુખવી, ચામડી પર લાલ ચાંભા પડવા વગેરે.
કમળો : પેશાબ પીળો, ઊલટી, ઊબકા, ભૂખ ન લાગવી (અરુચિ), પેટમાં દુખાવો, તાવ વગેરે.
ટાઈફોઈડ : સતત તાવ, પેટમાં દુ:ખાવો, ઊલટી, અરુચિ, મોં કડવું થઇ જવું.
દાદર : ચામડી પર લાલ રંગના ચકરડા થવા, ઉપર ફોતરી પડવી, ખંજવાળ-બળતરા થવી.
કૃમિ : મળ માર્ગમાં ખંજવાળ, ઝાડામાં જીવાત દેખાવી, લોહીના ટકા ઓછા થઇ જવા, મોઢા પર આછા સફેદ ડાઘ થવા. ગૂમડા (ફકિયા) : ચામડી પર રસીવાળી ફોકડી થવી, પાણી ભરેલી ફોડકી થવી.


રોગમુક્ત થવાના ઉપાયો

અંગ્રેજીમાં એક કહેવત છે કે “પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર’’ જેનો સીધો સાદો અર્થ થાય છે, ઇલાજ કરતાં સાવચેતી સારી. ચેતતા નર સદા સુખી આ કહેવત રોગ માટે પણ લાગુ પડે છે.

(1) ચોમાસાની ઋતુમાં ખાણી-પીણી, વ્યક્તિગત ચોખ્ખાઇ અને પાણીની શુધ્ધતા પર ધ્યાન રાખવામાં આવે તો ઘણા રોગોથી બચી શકાય છે, સૌ પ્રથમ તો ઘરમાં પૂરતા પ્રમાણમાં હવા-ઉજાસ આવે તેની કાળજી રાખવી જોઇએ. સવારે ઉઠીને ગરમ પાણીના કોગળા કરવા, હળદરવાળું દૂધ અથવા તો ગરમ પ્રવાહી લેવું, ગરમ નાસ લેવો, પાણીને શુધ્ધ અને સફેદ રંગના ઘર કપડા વડે ગાળવું. આ કાપડનો ઉપયોગ અન્ય કામો માટે ન થતો જોઇએ. શક્ય હોય ત્યાં સુધી ઉકાળેલું જ પાણી પીવું.

(2) મચ્છરથી થતા રોગોને અટકાવવા ઘરમાં પાણી ભરેલાં વાસણો, ટાંકી વગેરેને વ્યવસ્થિત ઢાંકવાં, બિનજરૂરી પાણી ક્યાંય જમા ન થવું જોઈએ. જંતુનાશક દવાનો ઉપયોગ કરવો. ગામડામાં ઘેર ઉકરડો કરવો નહિ. શક્ય હોય તો ઢોરને ઘેર ન બાંધતાં વાડામાં બાંધવાં. મચ્છરદાનીનો ઉપયોગ કરવો. આખી બાયના કપડા પહેરવા.

(3) ખુલ્લામાં પડી રહી હોય તેવી બહારની વસ્તુઓ, વાસી ખોરાક, આથાવાળી રસોઇ વગેરે લેવું નહિ. બહારના ઠંડા પીણા, પેપ્સી વગેરે પીવા નહી. મોઢે માસ્ક કે રૂમાલ બાંધી રાખવા.

(4) દર્દીના કપડાં, ટુવાલ, સાબુ વગેરે અલગ રાખવાથી ચામડીના રોગો ફેલાતા અટકાવી શકાય છે.


- text