લીલાપર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ, પ્રવેશોત્સવ તથા વયનિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો

- text


તમામ બાળકોને શૈક્ષણિક કીટ અને જરૂરી સાહિત્ય આપી શાળામાં પ્રવેશ અપાયો

મોરબી : મોરબીની લીલાપર પ્રાથમિક શાળામાં આંગણવાડી, જુના લીલાપર પ્રાથમિક શાળા, લીલાપર હાઇસ્કૂલ અને લીલાપર પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ શાળામાં વય નિવૃત થનાર શિક્ષક અંબાણી મગનલાલ નાનજીભાઈનો વિદાય કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.

જેમાં આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-1, ધોરણ-9માં પ્રવેશ મેળવેલ તમામ બાળકોને શૈક્ષણિક કીટ અને જરૂરી સાહિત્ય આપી શાળામાં પ્રવેશ અપાયો હતો. તાલુકા વિકાસ અધિકારી-મોરબી પી.એસ ડાંગર, સી.આર.સી. મોરબી શૈલેષભાઈ કાલરીયાએ ખાસ ઉપસ્થિત રહી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ વધુને વધુ બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે તેવી ગામ લોકોને અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં વિવિધ સિદ્ધિ મેળવેલ ધોરણ 3 થી 8માં પ્રથમ નંબર મેળવેલા, નવોદયમાં પસંદ થનાર વિદ્યાર્થી, જ્ઞાન સાધના, જ્ઞાનસેતુ, NMMS પરીક્ષામાં ઉતીર્ણ થયેલ અને મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું. તથા નિલેશભાઈ દેથરીયા દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 11,000 રૂપિયાનું દાન ભીખાભાઈ મોહનભાઈ દેત્રોજા દ્વારા આપવામાં આવ્યું. આ ઉપરાંત અન્ય ગ્રામજનોએ શાળા માટે દાનની સરવાણી વહાવી હતી. આ સાથે શાળામાંથી નિવૃત્ત થનાર શિક્ષક મગનભાઈ અંબાણીએ પણ રૂપિયા 11000નું દાન શાળામાં આપ્યું હતું.

- text

આ વિદાય કાર્યક્રમમાં ગામના અને ટંકારા પડધરીના ધારાસભ્ય દૂર્લભજીભાઈ દેથરિયાએ ટેલીફોનીક શાળા પ્રવેશોત્સવ અને નિવૃત થઈ રહેલા શિક્ષક મગનભાઈ અંબાણીને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. સમગ્ર કાર્યક્રમની શોભા વધારવા મોરબી ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદળિયા, મોરબી તાલુકા પંચાયત સદસ્ય કેતનભાઇ મારવણીયા, મોરબી ભાજપ ઉપપ્રમુખ રવિ વાલાભાઈ, આ ઉપરાંત ગામના સરપંચ, SMCના અધ્યક્ષ , SMCના સભ્યો, માજી સરપંચ ગામના ઉદ્યોગપતિઓ અને લીલાપર શાળામાં નિવૃત્ત થયેલ શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગામજનો પણ ખાસ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય અને તેના શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યકમને સફળ બનાવવામાં શાળાના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી.

- text