હળવદમાં ચાલતા નોનવેજના હાટડા બંધ કરવાની માંગ સાથે યોજાઈ મૌન રેલી

- text


48 કલાકમાં કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારાઈ

હળવદ : છોટા કાશી તરીકે ઓળખાતા હળવદમાં છેલ્લા ઘણા સમયથી નોનેવેજના હાટડા બંધ કરાવવાની માંગ ઉઠી રહી છે. ત્યારે આજે તારીખ 29 જૂનના રોજ હળવદમાં વિશાળ મૌન રેલી યોજાઈ હતી અને મામલતદાર અને હળવદ પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

હળવદ અસ્મિતા મંચ દ્વારા હળવદ શહેરમાં આજે 29 જૂને સવારે 10-30 કલાકે લક્ષ્મીનારાયણ ચોક ખાતેથી હળવદ મામલતદાર ઓફિસ સુધી વિશાળ બાઈક રેલી યોજાઈ હતી. આ મૌન રેલીમાં મોટી સંખ્યામાં લોકો બાઈક સાથે જોડાયા હતા અને મામલતદાર કચેરી પહોંચીને હળવદમાં ગેરકાયદેસર રીતે ચાલતા માંસાહારના હાટડા સદંતર બંધ કરાવવાની ઉગ્ર માંગ કરાઈ હતી. આ મૌન રેલીમાં લોકો ‘હળવદમાં ચાલતા નોનવેજના હાટડા બંધ કરો’ અને ‘છોટા કાશી હળવદની પરંપરાને જાળવી રાખો’ના બેનર સાથે જોડાયા હતા. સાથે જ હળવદ પોલીસ સ્ટેશનમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવાયું છે કે, હળવદ શહેરમાં અત્યાર સુધી જાહેર સ્થળે માંસ-મટનની લારી અથવા જાહેર સ્થળે માંસાહારનું વેચાણ થતું નથી. ત્યારે છેલ્લા થોડાક વર્ષોથી હળવદના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે અને સરકારના સંબંધિત વિભાગની મંજૂરી વિના સરકારી જગ્યામાં ગેરકાયદેસર રીતે દબાણ કરી માંસાહારનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે આ ગેરકાયદેસર ધમધમતા માંસાહારના હાટડા આગામી 48 કલાકમાં બંધ કરાવવામાં આવે અને આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે. જો 48 કલાકમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો હળવદના જીવદયા પ્રેમીઓ અને સામાજિક સંગઠનો દ્વારા જનતા રેડ કરી ગેરકાયદેસર રીતે ધમધમતા માંસાહારના હાટડાઓ બંધ કરાવવામાં આવશે.

- text

સાથે જ હળવદના સામંતસર તળાવમાં શક્તિ માતાજીના મંદિર પાસે ધાર્મિક લાગણી દુભાય તેવી રીતે ગેરકાયેદસર રીતે માછી મારી કરવામાં આવી રહી છે. તો આવી પ્રવૃત્તિઓને રોકીને કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.

- text