વાહ મોરબી પાલિકા ! કરોડોના ખર્ચે નવો રોડ બનાવવામાં ભૂગર્ભની કુંડી બુરી નાખી

- text


હવે ભૂગર્ભ ભરાઈ જતા રોડ તોડી કુંડી શોધવા મથામણ : ભૂલ પાલિકાની અને ખર્ચો પ્રજા માથે

મોરબી : સૌરાષ્ટ્રની નંબર વન ગણાતી મોરબી નગરપાલિકા બેદરકારી અને લાપરવાહી દાખવવામાં પણ નંબર વન હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં તાજેતરમાં કરોડોના ખર્ચે રવાપર રોડ ઉપર લોખંડી સિમેન્ટ રોડ બનાવવાના કામમાં ભૂગર્ભ ગટરની કુંડી બુરી દેવામાં આવતા હવે ભૂગર્ભ ગટર ચોકઅપ થતા આ નવેનવા રોડને તોડવાની નોબત આવી છે.

ધણીધોરી વગરની અને ઇન્ચાર્જ ચીફ ઓફિસરને હવાલે ચાલતી મોરબી નગરપાલિકામાં ખરેખર રામના રાજ ચાલી રહ્યા છે, પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ કોન્ટ્રાકટર મન પડે તેવા નિર્ણયો લઈ પ્રજાના પૈસાનો વેડફાટ કરી રહ્યા હોવાનો દાખલો સામે આવ્યો છે જેમાં તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે મોરબી પાલિકાથી લઈ રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોક સુધી નવો મજબૂત સિમેન્ટ રોડ બનાવવાના કામમાં કોન્ટ્રાકટર અને પાલિકાના બાહોશ અધિકારીએ ભૂગર્ભની કુંડીઓ બુરી નાખતા હવે આ ભૂગર્ભ ભરાઈ જતા રોડ તોડવાની નોબત આવી છે.

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં પાલિકા તંત્ર આયોજન વગર ઢંગધડા વગરના કામો કરી રહી હોવાથી પ્રજાનો પૈસો રીતસર વેડફાઈ રહ્યો છે, રવાપર રોડ સિમેન્ટથી મઢવા પાછળ કરોડોનો ખર્ચ થયો છે ત્યારે હવે ભૂગર્ભ ગટર શોધવા રોડમાં ખોદકામ કરી બાદમાં થાગડ થીગડ કરવામાં આવશે આથી રોડની મજબૂતાઈ ઘટી જવાની શક્યતા છે આ સંજોગોમાં આવી બેદરકારી દાખવનાર કોન્ટ્રાકટર વિરુદ્ધ પગલાં લેવામાં આવે અને બેદરકાર રહેનાર સુપરવિઝન સંભાળનાર અધિકારીઓ વિરુદ્ધ પણ પગલાં ભરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

- text

- text