મોરબીના ઘુંટુ નજીક કાલિન્દ્રી નદીમાં અનેક માછલીઓના મોત : જીપીસીબી દોડતું

- text


ગત વર્ષે પણ આજ સમયે માછલીઓના મૃત્યુ થયા હતા : કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યાની શંકા

મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામ નજીક આવેલી કાલિન્દ્રી નદીમાં આજે અચાનક અનેક માછલીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઘુંટુ ગામના સ્મશાનથી નવ નાલા સુધી એટલે કે આશરે દોઢ કિલોમીટર સુધી નદીના કિનારે મોટાપ્રમાણમાં મરેલી માછલીઓ પડી છે. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈએ નદીના પાણીમાં કેમિકલ નાખ્યું હોય અથવા તો કોઈ અન્ય કારણોસર માછલીઓના મોત થયા હોવાનું લાગી રહ્યું છે ત્યારે જીપીસીબીએ પણ ટિમો દોડાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની ભાગોળએ આવેલા ઘુંટુ ગામની કાલીન્દ્રી નદીમાં આજે અચાનક જ નદીના કિનારા પર મૃત હાલતમાં મોટા પ્રમાણમાં માછલીઓ જોવા મળતા ઘુંટુ ગ્રામજનોમાં પણ રોષ ફેલાયો છે. આ અગાઉ પણ ગત વર્ષે આ સમયગાળામાં માછલીઓના ટપોટપ મોત નિપજ્યા હતા ત્યારે આ બીજી ઘટના બનતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. વધુમાં કાલીન્દ્રી નદીની આસપાસ ઘણી ફેક્ટરીઓ આવેલ હોય કોઈ ફેક્ટરી દ્વારા કેમિકલયુક્ત પાણી આ નદીમાં નાખવામાં આવ્યું હોવાથી માછલીઓના મોત થયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ લાગી રહ્યું છે. જો કે માછલીઓના મોતનું કારણ જાણવા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તપાસ કરવામાં આવનાર હોવાનું અધિકારી મહેન્દ્ર સોનીએ જણાવ્યું હતું.

- text

- text