મોરબીમાં ગેસ એજન્સીઓ ઉપર દરોડા : ચાર એજન્સીઓમાં ગોલમાલ મળી

- text


ગાંધીનગરની ટીમ અને જિલ્લા પુરવઠા અધિકારીનું સંયુક્ત ઓપરેશન : ત્રણ એજન્સીમાં 369 ગેસ સિલિન્ડર મળી 4.80 લાખનો મુદ્દામાલ સિઝ : અન્ય એક એજન્સીમાંથી 1553 કોમર્શિયલ સિલીન્ડરની ઘટ મળી

મોરબી : મોરબીમાં લોલમલોલ ચાલતી ગેસ એજન્સીઓ ઉપર ગાંધીનગરની ટિમ અને જિલ્લા પુરવઠા અધિકારીએ સંયુક્ત રીતે દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં ચાર એજન્સીઓની ગોલમાલ બહાર આવતા આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નિયામક, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગર અને જિલ્લા પુરવઠા કચેરી, મોરબીની તપાસ ટીમે ગેસ એજન્સીઓ અને દુકાનો ઉપર દરોડા પાડ્યા હતા. જેમાં રાધે ગેસ એજન્સીમાંથી 175 સિલિન્ડર મળી કુલ રૂ. 2,23,520 નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. કાવ્યા ગેસ એજન્સીમાંથી 43 સિલિન્ડર મળી રૂ. 60,030 નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

- text

ભગવતી એન્ટરપ્રાઇઝમાંથી 151 સિલિન્ડર સહિત રૂ. 1,97,050 નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. સંતવાણી ઇન્ડેન ગેસ એજન્સીમાં 5 કિલો નેટ વજનના 1553 કોમર્શિયલ સિલીન્ડરની ઘટ મળી છે. જેથી તેને રૂ. 7 લાખથી વધુનો દંડની ફટકારવામાં આવે તેવી શકયતા સેવાઈ રહી છે.

તંત્રની આ કાર્યવાહીથી ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે ગેસનો વેપલો કરતા દુકાનદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ કાર્યવાહીમાં જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા અને મદદનીશ નિયામક રોહિતગીરી ગોસ્વામીની ટીમ રોકાયેલ હતી.

- text