માળિયા (મિ.)ના ખાખરેચીમાં હાઈસ્કૂલ અને તમામ પ્રાથમિક શાળાઓનો સંયુક્ત પ્રવેશોત્સવ યોજાયો

- text


વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા, શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાયું

માળિયા (મિ.) : તાલુકાના ખાખરેચી ગામે સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ખાખરેચીની કન્યા પ્રાથમિક શાળા, કુમાર પ્રાથમિક શાળા, મિશ્ર પ્રાથમિક શાળા તેમજ સાર્વજનિક હાઈસ્કૂલનો સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી અને બાલવાટીકાના કુલ 95, ધો. 1 ના કુલ 75 બાળકોને ડોમ્સ કલર કિટ અને ડ્રોઈંગ બુક ઇનામ આપીને તેમજ સાર્વજનિક હાઈસ્કૂલના ધોરણ 9 અને ધોરણ 11 ના મળીને કુલ 140 બાળકોને ઇનામમાં પેડ આપીને પ્રવેશ અપાયો હતો.

પ્રવેશોત્સવમાં મિશ્ર શાળાની બાળાઓ કૈલા પ્રિયાંશીએ દીકરી વિશે અને પારજીયા શિવાનીએ વૃક્ષોના મહત્વ વિશે પોતાની આગવી અને અનોખી શૈલીમા વક્તવ્ય રજુ કર્યા હતાં. તમામ મહાનુભાવોના વરદ હસ્તે ધો.3 થી 12 માં ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર તેમજ CET અને NMMSની પરીક્ષામાં ઉતીર્ણ થનાર અને વર્ષ દરમ્યાન 100% હાજરી તેમજ જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને કિટ અને લંચ બોક્સ અને પેડ જેવા ઇનામ આપીને બિરાદાવ્યા હતા.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે દર્શનભાઈ દેસાઈ (ઉપસચિવ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગર) દ્વારા પ્રવેશ પામેલા તમામ બાળકોને સારું શિક્ષણ મેળવીને ઉચ્ચ કારકિર્દી બનાવીને ગામનું ગૌરવ વધારવાનાં શુભાશિષ પાઠવ્યા હતા. શિક્ષણ સાથે સાથે અન્ય સહભ્યાસિક પ્રવૃતિ અને રમત ગમત થકી પ્રગતિ કરવા અંગેનું મહત્વ સમજાવ્યું હતું.. ગામના સામાજિક કાર્યકર અને અગ્રણી ડો.મનુભાઈ કૈલાએ સરકાર દ્વારા પ્રવેશોત્સવની સુવર્ણ તક મળવા બદલ બાળકોને ભાગ્યશાળી ગણાવ્યા હતા. તમામ મહાનુભાવોએ ધોરણ 1 થી 12ના અભ્યાસની સહાયક સાહિત્ય સામગ્રી અને પ્રવૃતિનું પ્રદર્શન નિહાળ્યું હતું અને શાળાના મેદાનમાં સરગવાના છોડનું વૃક્ષારોપણ કર્યું હતું.

- text

આ કાર્યક્રમમા ખાખરેચી ગામના સરપંચ દિનેશભાઈ પારજીયા, ખાખરેચી જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારજીયા, તાલુકા પંચાયત સદસ્ય અશોકભાઈ કૈલા, માળિયા તાલુકા ભાજપ પ્રમુખ મણીભાઈ સરડવા અને ઉપપ્રમુખ જ્યંતિભાઈ કૈલા, ખાખરેચી ક્લસ્ટરના સી. આર. સી. જયેશભાઈ ગઢીયા તેમજ ગ્રામ પંચાયત સભ્યો અને ગ્રામજનોએ હાજરી આપી હતી. કાર્યક્રમ બાદ તમામ બાળકો અને વાલીઓએ આઈસ્ક્રીમ દ્વારા મોઢું મીઠુ કર્યું હતું.

અંતે હાઈસ્કૂલના આચાર્ય મેહુલભાઈ ભોરણિયાએ તમામ મહાનુભાવોનો અને સમગ્ર પ્રવેશોત્સવ કાર્યક્રમના આર્થિક સહયોગના દાતા અને યજમાન એવા વિજયભાઈ વોરાનો (હાલ મુંબઈ ) આભાર વ્યક્ત કર્યો હતો અને તમામ શાળા પરિવારે બિરદાવ્યા હતા.

- text