મોરબીના જાંબુડીયા અને પાનેલી ગામે જીઆઈડીસી દ્વારા વોકળા બંધ કરી દેતા ફરિયાદ

- text


મામલતદાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનો અરજદારનો આરોપ

મોરબી : મોરબીના પાનેલી, જાંબુડીયા અને લખધીરપુર ગામે રાજકોટ જીઆઈડીસી દ્વારા કુદરતી વરસાદી પાણીના વોકળાઓ વહેણ બંધ કરી દેવાતા અરજદાર રાજુભાઈ માધાભાઈ પરસાડીયાએ મામલતદાર અને મેજિસ્ટ્રેટની કોર્ટમાં જીઆઈડીસી સામે કેસ દાખલ કરવા દાદ માંગવામાં આવી છે.

અરજદાર રાજુભાઇના જણાવ્યા પ્રમાણે જાંબુડીયા સર્વે નંબર 146, પાનેલી સર્વે નંબર 140/2ના કુદરતી વરસાદી પાણીના વોકળાઓ વહેણ બંધ કરી નાખવામાં આવ્યા છે. તેમજ એક ગામથી બીજા ગામ જવા માટેના જાહેર માર્ગો જીઆઈડીસી દ્વારા બંધ કરાયા છે. જીઆઈડીસી દ્વારા બંધ કરાયેલા રસ્તા અને કુદરતી વરસાદી પાણીના વોકળાઓ ખુલ્લા કરવાની સંપૂર્ણ સત્તા મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ મામલતદારની હોય જીઆઈડીસી સામે કેસ દાખલ કરવા તારીખ 10 જૂન,2024થી દાદ માગવામાં આવી હતી તેમ છતાં આજ દિવસ સુધી કેસનો નિકાલ કરવામાં નથી આવ્યો. સાથે જ સ્થળ ઉપર રોજકામ કરવા પણ કોઈ ન આવ્યું હોવાનો આરોપ લગાવી વધુ વરસાદ પડે એટલે પાનેલીમાં માનવસર્જિત જળ હોનારતની દહેશત વ્યક્ત કરી લોકોના જાનમાલને ખુબ જ મોટું નુક્સાન થાય તેમ હોવાનું જણાવાયું છે.

- text

વધુમાં જીઆઇડીસી દ્વારા કુદરતી વરસાદી પાણીના વોકળાઓ વહેણ બંધ થતાં જાંબુડીયા, લખધીરપુર, પાનેલી ગામોના લાગું પડતા ખેતરમાં ખુબ મોટું નુક્સાન થાય તેમ છે. છતાં પણ મામલતદાર વિધિવત કેસ દાખલ કરવા લેખિત રજુઆત દાદ માગી છે તેમ છતાં આજ દિવસ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી હાથ નથી ધરી ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના વોટરબોડીના અસંખ્ય ચુકાદા આપવામાં આવ્યા હોય તથા દિશા નિર્દેશ આપવામાં આવ્યા હોય તેમ છતાં તમામ નીતિ નિયમો કાયદા-કાનુનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેથી મામલતદાર દ્વારા જીઆઈડીસી સામે કોર્ટ એક્ટ હેઠળ નિયમ અનુસાર કેસ દાખલ કરીને જાહેર રસ્તા તેમજ કુદરતી વરસાદી વોકળાઓ ખુલ્લા કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

- text