મોરબીની દોશી & ડાભી હાઈસ્કૂલમાં કુમાર અને કન્યા શાળાનો પ્રવેશોત્સવ યોજાયો

- text


બાલવાટીકાના 80, ધો. 1ના 75 અને દોશી & ડાભી માધ્યમિક શાળાના ધો.9ના 259 બાળકોને પ્રવેશ અપાયો

પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આપી હાજરી

મોરબી : મોરબીની દોશી & ડાભી માધ્યમિક શાળા ખાતે ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની અંતર્ગત માધાપરવાડી કુમાર અને કન્યા શાળાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરતભાઈ ગોપાણીએ સૌના શાબ્દિક અભિવાદન કર્યું હતું. બંને શાળાના મળીને બાલવાટીકાના 80 બાળકો અને ધોરણ-1ના 75 બાળકો અને દોશી & ડાભી માધ્યમિક શાળાના ધોરણ-9ના 259 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શાળાઓમાં બાળકોના બ્લડ ગૃપ ચેક કરવામાં અમૂલ્ય યોગદાન આપનાર કેશુભાઈ કરમશીભાઈ હડિયલ વિનાયક એન્જિનિયરિંગ, ડી.જે.પટેલ કન્યા વિદ્યાલયના નિવૃત શિક્ષિકા નીતાબેન પટેલ, શાળાને ભૌતિક સુવિધાઓ પૂરી પાડનાર માધાપર ગ્રામ પંચાયતના સરપંચ ડો. ગણેશભાઈ નકુમ, શાળામાં શિલ્ડ અર્પણ કરનાર પૂર્વ સરપંચ ચંદ્રેશભાઈ હડિયલ, શાળા માટે ઉપયોગી યોગદાન આપનાર રામજીભાઈ હંસરાજભાઈ હડિયલ, જયંતીભાઈ બેચરભાઈ ડાભી, કાનજીભાઈ મલાભાઈ પરમાર, પોતાના રોજ બરોજના કામ ધંધાના ભોગે 24×7 હરહંમેશ શાળાનું ધ્યાન રાખનાર શાળા માટે 108ની ભૂમિકા ભજવનાર કાળુભાઈ પરમાર સહિતના મહાનુભાવોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રવેશોત્સવમાં માધાપરવાડી કન્યા શાળાની બાળા હેન્સી દિલીપભાઈ પરમારે પોતાની આગવી અને અનોખી શૈલીમાં “બેટી બચાવો બેટી પઢાવો” વિષય પર વક્તવ્ય આપી સૌને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. તમામ મહાનુભાવોના વરદ હસ્તે ધો.3 થી 8માં ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર તેમજ CET અને NMMSની પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમાંક તેમજ વેકેશનમાં સૌથી વધુ સ્પેલિંગ લખનાર તથા વર્ષ દરમ્યાન 100% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને મહાનુભાવોએ શિલ્ડ અર્પણ કરી સન્માનિત કર્યા હતા.

- text

પ્રવેશોત્સવમાં પધારેલા પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ રૂટના મદદનીશ પશુપાલન નિયામક અધિકારી જે.પી.ઉઘરેજાએ આજના પ્રવેશપાત્ર તમામ બાળકોને ભણી-ગણીને આગળ વધવાની શુભેચ્છાઓ પાઠવી હતી. માધાપરવાડી શાળાની બાળાઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી પ્રવેશોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દોશી & ડાભી માધ્યમિક શાળાની બાળાએ કર્યું હતું. આ કાર્યક્રમ સફળ બનાવવા ત્રણેય શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

- text