માળિયા (મી.)માં રૂ.2 કરોડના ખર્ચે 4 જગ્યાએ સીસી રોડ બનશે : મુખ્યમંત્રીએ આપી મંજૂરી

- text


રાજકોટની ભાગોળે કટારીયા ચોકડીએ અન્ડર બ્રિજ – ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે પણ ગ્રાન્ટ ફાળવાય : સૌરાષ્ટ્ર કુલ રૂ.૨૪૭.૯૨ કરોડના વિકાસ કામોને મળી સૈદ્ધાંતિક મંજૂરી

મોરબી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માળિયા (મી.)માં રૂ.2 કરોડના ખર્ચે 4 જગ્યાએ સીસી રોડ બનાવવાના કામને મંજૂરી આપી છે. આ સાથે રાજકોટ મહાનગરમાં ચાર ફ્લાય ઓવર માટે રૂ.૧૮૫ કરોડ સહિત સૌરાષ્ટ્ર વિસ્તાર માટે કુલ રૂ.૨૪૭.૯૨ કરોડના વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાય ઓવર બ્રિજ ઘટક અંતર્ગત મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરમાં ચાર ફ્લાય ઓવર નિર્માણની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદઅનુસાર, કુલ રૂ. ૧૮૫.૭૯ કરોડના અંદાજિત ખર્ચે રાજકોટમાં કટારીયા ચોકડી પર અંડરબ્રિજ અને ફ્લાય ઓવર બ્રિજના ફેઝ-૨ નું કામ, રૈયા ગામથી સ્માર્ટ સિટીના ડી.પી. રોડ પર વોકળા બ્રિજ નિર્માણ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર કટારીયા ચોકડીથી સ્માર્ટ સિટી જતા રોડ પર ત્રણ બ્રિજના વાઈડનીંગ કામ તેમજ ખોખળ દળ નદી ઉપર કોઠારીયા તથા લાપાસરીને જોડતા માર્ગ પર હાઇ લેવલ બ્રિજ બનાવવાના કામોનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના ભાવનગર, શિહોર, ગોંડલ અને માળિયા-મિયાણા માટે પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી વિકાસ કામો માટે રકમ ફાળવવા સૈદ્ધાંતિક અનુમોદન આપ્યું છે.

- text

આ સંદર્ભમાં મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિકાસ વિભાગની રજૂ થયેલી વિવિધ દરખાસ્તોમાંથી ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના નવ ગામો પૈકીની સૂચિત નગર યોજના ૩૧ અને વરતેજ ગામતળના વિસ્તારની ભૂગર્ભ ગટર યોજના માટે તેમણે ૪૫.૬૯ કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે.

એટલું જ નહીં, નગરોમાં આગવી ઓળખના કામો પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મંજૂર કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિહોર નગરપાલિકામાં આવા આગવી ઓળખના કામ તરીકે ટાઉનહોલ બનાવવાના હેતુસર રૂ. ૮ કરોડ ૩૧ લાખ ૫૦ હજારના કામોની સિદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમણે ગોંડલ નગરપાલિકાને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નિર્માણ માટે રૂ. ૬ કરોડ ૯૨ લાખ ૮૪ હજારના કામો મંજૂર કર્યા છે.

‘ડ’ વર્ગની નગરપાલિકા માળિયા-મિયાણાને આઉટ ગ્રોથ વિસ્તારમાં સી.સી. રોડ બનાવવાના ચાર કામ માટે બે કરોડ રૂપિયાના કામોની અનુમતિ પણ મુખ્યમંત્રીએ આપી છે.

- text