દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર એટલે જમીનને જીવંત રાખનાર ખજાનો

- text


જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત અને અસ્ત્રો જમીનને સમૃદ્ધ બનાવવા અને સંરક્ષણ માટેના અગત્યના સ્ત્રોત

મોરબી : પ્રાકૃતિક ખેતી એટલે કુદરતી વાતાવરણ અને નૈસર્ગિક પદ્ધતિ સાથે તાલમેલ મિલાવીને કરવામાં આવતી ખેતી. હાલ સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધી રહ્યું છે તેની સાથે જ તેનો વિસ્તરી રહ્યો છે. પ્રાકૃતિક ખેતીને ગાય આધારિત ખેતી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે જાણીએ શું છે દેશી ગાય અને સૂક્ષ્મ જીવાણુનું પ્રાકૃતિક કૃષિમાં મહત્વ.

પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાય એ પાયાની જરૂરિયાત છે કારણ કે દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર એ જમીને જીવંત રાખવા માટે તથા તેની ફળદ્રુપતા જાળવી રાખવા માટે સૂક્ષ્મ જીવાણું અને પોષક તત્વોનો ખજાનો પૂરો પાડે છે.

વાત કરીએ ગૌમુત્રની તો ગૌમૂત્ર એ પાકનું જીવન ચક્ર પૂરું કરવા માટે જરૂરી તમામ પોષક તત્વોનો ભંડાર છે. ઉપરાંત પાકના વૃદ્ધિ અને વિકાસના નિયંત્રણ માટે જરૂરી હોર્મોન્સ પૂરા પાડે છે, આ ઉપરાંત પાકને નુકસાન કરતા જંતુઓ બેક્ટેરિયા વાયરસ ફૂગ વગેરે સામે રક્ષણ પણ આપે છે. તો ગોબર એ સૂક્ષ્મ જીવાણુઓનો ભંડાર છે.

- text

એક ગ્રામ ગોબરમાં જુદા જુદા પ્રકારના 300 થી 500 કરોડ જેટલા સૂક્ષ્મ જીવાણું હોય છે તે અનેક પ્રકારે જમીનને સમૃદ્ધ કરવાનું કામ કરે છે. ગોબરની નાઇટ્રોજન ઉત્પન્ન કરવામાં મહત્વની ભૂમિકા રહેલી છે. આ ઉપરાંત તેમાં ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફર વગેરે તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તો ગોબર પેસ્ટિસાઈડ, હેવી મેટલ, પાકના અવશેષો અને સેન્દ્રીય પદાર્થોનું વિઘટન કરે છે. ઉપરાંત જંતુઓ અને રોગકારકોનું જૈવિક રીતે નિયંત્રણ કરી પાકની વૃદ્ધિ માટે અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે.

ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરી જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વગેરેથી જમીનને સમૃદ્ધ અને ઉપજાવ બનાવી શકાય છે. ઉપરાંત ગોબર અને ગૌમુત્રના ઉપયોગથી તૈયાર થયેલા વિવિધ અસ્ત્રોથી પાક સરક્ષણ પણ થઈ શકે છે. આમ દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં બહારથી ફર્ટિલાઇઝર, હોર્મોન, જંતુનાશકો, જૈવિ ખાતરો, જૈવિક દવાઓ વગેરે ખરીદવાની બિલકુલ જરૂરિયાત રહેતી નથી. જેથી ખેડૂતના નાણાની બચત થાય છે અને સરવાળે નફો વધતા અનેક ગણો ફાયદો થાય છે.

- text