સ્વામિનારાયણ મંદિરનું ગેરકાયદે બાંધકામ બે દિવસમાં હટાવવા ફરી નોટિસ ફટકારી 

- text


બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વહીવટદાર સહીત 12 અસામીઓને નોટિસ 

મચ્છુ નદીમાં પૂર આવ્યે જાનહાની થશે તો સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તા જવાબદાર

મોરબી : મોરબીની મચ્છુ નદીમાં કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર બાંધકામ કરવા મામલે મોરબી નગર પાલિકાએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વહીવટદાર સહીત 12 અસામીઓને નોટિસ ફટકારી બે દિવસમાં સ્વખર્ચે તમામ બાંધકામ દૂર કરવા આદેશ આપ્યો છે સાથે જ જો ચોમાસામાં મચ્છુ નદીમાં પૂર આવે અને જાનહાની થાય તો સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તા જવાબદાર રહેશે તેવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે.

મોરબીના મચ્છુ નદીના પટ્ટમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વહીવટદારો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા જાગૃત નાગરિકોની ફરિયાદ બાદ જિલ્લા કલેકટર સહિતના તંત્રવાહકો દોડતા થયા હતા અને તપાસના આદેશ આપવામાં આવતા મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં નદીના પટ્ટની અંદર ગેરકાયદેસર બાંધકામ થયું હોવાનું સ્પષ્ટ બનતા મોરબી પાલિકા દ્વારા નદીના પટમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ બે દિવસમાં સંસ્થાના ખર્ચે દુર કરવાની કામગીરી શરૂ કરવા સુચના આપવામાં આવેલ હતી તેમ છતાં પણ બાંધકામ દૂર કરવામાં આવ્યું ન હતું.

- text

ત્યારે મોરબી નગરપાલિકાએ ફરીથી ગઈકાલે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તા ભરતભાઈ ભગવાનજીભાઈ બોપલીયા સહિતના 12 વહીવટ કર્તાને સરકારની જોગવાઈઓ મુજબ વોટરબોડી લાઈનનાં કંટ્રોલ લાઈન ૩૦ મીટરમાં કોઈ પણ બાંધકામ કરવાનું ન હોઈ, તેમ છતાં નદીના પટથી ૩૦ મી. ની અંદર કંટ્રોલ લાઈનમાં ગેરકાયદેસર બાંધકામ કરેલ હોવાથી જાનહાનીને નુકશાન થવાની સંભાવના વ્યક્ત કરી તાકીદે બાંધકામ દૂર કરવા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં ચોમાસામાં મચ્છુ નદીમાં પૂર આવે અને જાનહાની થાય તો સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તા જવાબદાર રહેશે તેવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે.

જ્યારે મંદિરના વહીવટકર્તા ભરતભાઈ બોપલિયાએ આ નોટિસ અંગે જણાવ્યું હતું કે અમારી સંસ્થાની હેડ ઓફિસની લીગલ ટીમને નોટિસ અંગે જાણ કરાઈ છે. સરકારના નિયમો અને આદેશનું કાયદા મુજબ પાલન કરવામાં આવશે.

- text