મોરબી, માળીયા અને વાંકાનેરમાં 70 પાણીચોર પકડાયા

- text


પાણીચોરી ઝડપાયા બાદ 15 આસામીઓ પાસેથી રૂપિયા 7,48,237 દંડ વસૂલાયો

મોરબી : મોરબી જિલ્લામાં ઉદ્યોગોની ભરમાર વચ્ચે ઉનાળામાં પાણીની ખેંચ વર્તાતા પાણી પુરવઠા બોર્ડે હાથ ધરેલા ચેકિંગમાં પાણી ચોરીના એક બે નહીં પણ 70 કિસ્સા પકડાતા ઉદ્યોગો, ફાર્મહાઉસ અને ફનવર્ડના સંચાલકોને પાણીની મુખ્ય લાઇનમાં બાકોરા પાડી ગેરકાયદેસર પાણીચોરી કરતા હોવાનું સામે આવતા કાયદેસરની કાર્યવાહી કરી 15 આસામીઓ પાસેથી રૂપિયા 7,48,237 દંડ વસુલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઉનાળાના દિવસોમાં પાણીની કટોકટી વચ્ચે મોરબી પાણી પુરવઠા બોર્ડે કચેરી દ્વારા જુદી જુદી પાણી પુરવઠા યોજનામાં ચેકીંગ કરવામાં આવતા દોઢ મહિનામાં મોરબી, માળીયા મિયાણા અને વાંકાનેર તાલુકામાં 70 જેટલા અસામીઓએ ગેરકાયદેસર નળ કનેકશન મેળવી લીધા હોવાનું સામે આવતા આ તમામ 70 આસામીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી નોટિસ ફટકારી પાણીની મુખ્ય લાઇનમાંથી લેવામાં આવેલા તમામ કનેકશનો કટ કરવામાં આવ્યા હતા.

વધુમાં મોરબી પાણી પુરવઠા બોર્ડના અધિકારીક વર્તુળોએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં પીપળીયા હેડ વર્કસ જતી લાઈન તેમજ એર વાલ્વ 25 થી બગથળા જતી પાઇપલાઇનમાં સૌથી વધુ પાણી ચોરી પકડવામાં આવી હતી. નોંધનીય છે કે, પીપળીયા રોડ ઉપર ગેરકાયદેસર પાણી ચોરી થતી હોવાના કારણે આ રોડના છેવાડાના ગામોને પીવાનું પાણી પણ પહોંચતું ન હોવાનું સામે આવ્યું છે ત્યારે લાંબા સમય બાદ પાણી પુરવઠા બોર્ડે કાર્યવાહી હાથ ધરી હોવાનું અને હજુ ચેકીંગ ચાલુ હોવાનું પાણી પુરવઠા બોર્ડના અધિકારી વાંકાણીએ જણાવ્યું હતું જેમાંથી 15 જેટલા આસામીઓ પાસેથી 7,48,237 દંડની રકમ વસુલ કરવામાં આવ્યો હોવાનું અને દંડ નહીં ભરનાર આસામીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવનાર હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.

પાણીચોરીમાં દંડાયેલ આસામીઓ

કે.પી સ્પીનટેક્ષ, લૂંટાવદર – રૂ. 1,00,000

મરક્યૂના કોલ, નાના દહીંસરા – રૂ. 1,00,000

વાસુકી કોલ, નવલખી રોડ – રૂ. 1,00,000

મેટ્રો ટેકનોપેક, લૂંટાવદર – રૂ. 1,00,000

સંત ગ્લોબલ માઇક્રોન, લૂંટાવદર – રૂ. 1,00,000

લોયલ પોલીપેક, બરવાળા – રૂ. 50,000

દેવ ફર્ન વર્લ્ડ, વાવડી – રૂ. 40,000

તકદીર હેચરી – રૂ. 33019

સમજુબાની વાડી, વાવડી – રૂ. 20,000

અતિથિ ફાર્મ, વાવડી – રૂ. 20,000

ઓમ ફાર્મ, બગથળા – રૂ. 20,000

જયશ્રી મોમાઈ લોજિસ્ટિક, નવલખી રોડ – રૂ. 20,000

જગદીશભાઈ પ્રેમજીભાઈ નકુમ – રૂ. 20,000

સૌરાષ્ટ્ર પોલીટ્રી ફાર્મ, વાંકાનેર – રૂ. 13908

ગોરધનભાઈ શામજીભાઈ વિંઝવાડિયા – રૂ. 11,310

- text

- text