નામ બડે ઔર દર્શન ખોટે : મોરબી જિલ્લાની 21 ખાનગી પ્રાથમિક શાળાઓમાં ફાયર એનઓસી જ નથી

- text


56 ટીમોએ હાથ ધરેલી ચકાસણીમાં 41 શાળાઓને નોટિસ ફટકારાઇ

મોરબી : રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ હાઇકોર્ટના આદેશને પગલે શિક્ષણ વિભાગે તમામ શાળાઓમાં ફેરતપાસના આદેશ આપતા મોરબી જિલ્લાની કુલ 782 પ્રાથમિક શાળાઓની ચકાસણી કરવામાં આવતા 21 ખાનગી પ્રાથમિક શાળાઓમાં ફાયર એનઓસી જ ન હોવાનું સામે આવ્યું છે અને કુલ મળી મોરબી જિલ્લાની 41 પ્રાથમિક શાળાઓને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક -ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાઇકોર્ટના આદેશને પગલે ફાયર એનઓસી મુદ્દે ફેર ચકાસણી કરવા આદેશ આપવામાં આવતા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા 56 ટીમોને મેદાને ઉતારી જિલ્લામાં આવેલી 585 સરકારી, 196 ખાનગી અને 1 ગ્રાન્ટેડ શાળાની ચકાસણી કરવામાં આવતા 21 ખાનગી શાળાઓમાં ફાયર એનઓસી જ ન હોવાનું સામે આવ્યું હતું.

- text

વધુમાં મોરબી જિલ્લાની શાળાઓમાં ફાયર સેફટી અંગેની ચકાસણી દરમિયાન જિલ્લાની કુલ 41 પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી મુદ્દે ત્રુટીઓ સામે આવતા શિક્ષણ વિભાગ દ્વારા સરકારને રિપોર્ટ કરી કુલ 41 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વાલીઓ પાસેથી તગડી ફી વસુલવામાં માહેર ખાનગી શાળાઓને બાળકોના ભણતર અને જીવનની સુરક્ષા કરતા પોતાની કમાણીમાં જ વધુ રસ હોવાનું ફાયરસેફટીની તપાસણી બાદ સામે આવ્યું છે.

- text