ઓટાળા ગામે ખેડૂત પરિવાર પર જીવલેણ હુમલાના બનાવમાં ફરિયાદ નોંધાઇ

- text


વાછકપર ગામના શખ્સે કમરે ટિંગાળેલી ફટાકડી દેખાડી જાનથી મારી નાખવા ધમકી આપી 

ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે ખેતરના હલણના પ્રશ્ને વાછકપર ગામના માથાભારે શખ્સે અન્ય સાત શખ્સો સાથે મળી બાજુમાં જ બાપદાદા સમયની જમીન ધરાવતા એક ખેડૂત પરિવારના 4 સભ્યો ઉપર ધોકા-પાઇપ વડે હુંમલો કરી આરોપીએ કમરે લટકાવેલી ફટાકડી દેખાડી અહીંથી કોને હાલવુ છે, હવે અહીંથી હાલશો તો જમીનમાં દાટી દઈશ જેવી ધમકી આપી જીવલેણ હુમલો કરવાના બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા નરભેરામભાઇ છગનભાઇ ઘોડાસરા, નિકુંજભાઈ નરભેરામભાઇ ઘોડાસરા, કાનજીભાઈ છગનભાઇ ઘોડાસરા અને વિશાલભાઈ કાનજીભાઈ ઘોડાસરા નામના ખેડૂત પરિવારે રસ્તાના હલણ પ્રશ્ને મામલતદાર કચેરીમાં કેસ કર્યો હોય જે પેન્ડિગ હોવા છતાં આરોપી રોહીતભાઇ નાનજીભાઇ ફાંગલીયા રહે.વાછકપર નામના શખ્સે રસ્તાના વિવાદમાં ફરિયાદીઓને ખેતરે બોલાવી કહ્યું હતું કે, તમારે રસ્તો જોઈએ છે એમને ? બાદમાં રસ્તા પ્રશ્ને ઝઘડો કરી રોહિત તેમજ અજાણ્યા 7 જેટલા શખ્સો સાથે એક સંપ કરી ખેતરના હલણના પ્રશ્ને ધોકા-પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડતા ચારેય ઇજાગ્રસ્તોને પ્રથમ ટંકારા બાદ વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા.

- text

વધુમાં આરોપી રોહિત ભરવાડે ઇજાગ્રસ્તોનાં કુટુંબીજનની જમીન વેચાતી લીધા બાદ હલણનો રસ્તો બંધ કરી દઈ રસ્તે ચાલવાની માથાકૂટ કરતો હોવાથી ઘોડાસરા પરિવારે મામલતદાર ટંકારા ખાતે કેસ કરેલ હોવાથી આ બાબતનો ખાર રાખી હુમલો કર્યો હતો અને બાદમાં ઘોડાસરા પરિવારના સભ્યો ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડી થાર તેમજ સ્કોર્પિયો ગાડીમાં પીછો કરી સતત હોર્ન મારી ભયનો માહોલ સર્જી કમરે ટીંગાડેલી બંદૂકડી દેખાડી હવે રસ્તે ચાલશો કે કેસ કરશો તો જમીનમાં દાટી દેશું તેવી ધમકી આપતા બનાવ અંગે નિકુલભાઇ નરભેરામભાઈ ઘોડાસરાની પોલીસે આરોપી રોહિત ભરવાડ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૭,૩૨૬,૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૪૩, ૧૪૭,૧૪૮,૧૪૯ તથા જી.પી.એક્ટ ૧૩૫ તથા આર્મસ એક્ટ ક.૩૦ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text