મોરબીના પીલુડી રોડ ઉપર ભ્રષ્ટાચારનું ગાબડું : નાલું બન્યાના 10 દિવસમા જ તૂટી ગયું

- text


અધિકારી કહે છે ટ્રકની ઠોકર લાગતા તૂટ્યું : ગ્રામજનો કહે છે ભ્રષ્ટાચાર જવાબદાર

મોરબી : મોરબીના નેશનલ હાઇવેથી પીલુડી(વાઘપર) સુધી બની રહેલા રોડ ઉપર બનાવવામાં આવેલ નાલું દસ જ દિવસમાં તૂટી જતા ગ્રામજનો ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે જો કે, જવાબદાર અધિકારી ટ્રક કે ભારે વાહને ઠોકર મારતા નાલું તૂટ્યાનું જણાવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નેશનલ હાઇવેથી પીલુડી(વાઘપર) સુધી અંદાજે ચાર કિમિનો રોડ બની રહ્યો છે. આ રોડ ઉપર હાઇવેની શરૂઆતમાં જ એક નાનું પુલીયું 10 દિવસ પહેલા જ બનાવવામાં આવ્યું હતું જે તૂટી જતા નાલા બનાવવામાં સાવ હલકી ગુણવત્તા વાળા મટીરીયલનો ઉપયોગ થયો હોવાનો ગ્રામજનો આરોપ લગાવી રહ્યા છે.

- text

નાલું તૂટવાની ઘટના અંગે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારી કે.કે. ઘેટીયાએ જણાવ્યું હતું કે ત્યાં ટ્રકે ઠોકર મારતા આ નાલું તૂટી ગયું છે. અગાઉ પણ ટ્રકની ઠોકરે તૂટી ગયું હતું. ત્યારે હવે આ નાલામાં ગોળાઈ કરી દેવામાં આવશે. જો કે ગ્રામજનોના જણાવ્યા મુજબ આ નાલું નેશનલ હાઇવેથી ગામ બાજુ જતા 200 મીટરે આવેલું છે જેથી ટ્રક અથડાવવાની શક્યતા જ ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા સિંચાઈ સમિતિના ચેરમેન અજય લોરીયાએ બનાવ સ્થળની મુલાકાત લઈ યોગ્ય કામગીરી કરવાનું જણાવ્યું હતું. જેના થોડા દિવસમાં જ આ નાલું તૂટી જતા અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.

- text