મોરબીમા પાલિકાનું કામ વેપારીઓએ કર્યું ! નહેરુ ગેટ ચોકમાં ખાડા પૂર્યા 

- text


પાલિકને અનેક ફરિયાદો કરવા છતાં ઉકેલ ન આવતા અંતે વેપારીઓએ ગટરના કારણે પડેલા ખાડા જાતે બુર્યા

મોરબી : મોરબીમાં ઠેર ઠેર ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. જેનો પાલિકા દ્વારા કાયમી ઉકેલ લાવવામાં નથી આવતો જેના કારણે રહેવાસીઓ અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે નહેરુ ગેટ ચોકમાં ઉભરાતી ગટરના કારણે ખાડા પડી જતા પાલિકાનું કામ વેપારીઓએ કરી જાત મહેનતે ખાડા પૂર્યા હતા.

મોરબીમાં ઉભરાતી ભૂગર્ભ ગટર અંગે સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે અહીં છેલ્લા એક માસથી ગટર ઉભરાય છે. અને અમે પાલિકામાં રજૂઆત કરવા જઈએ તો થઇ જશે એવો ચીલા ચાલુ જવાબ આપી દે છે પરંતુ કોઈ નિકાલ થતો નથી. વધુમાં વેપારીઓએ જણાવ્યું હતું કે, અમે તમામ વેરા ભરીએ છીએ અને જો અમારી દુકાને કચરો પડ્યો હોય તો પાલિકા દંડ પણ ફટકારે છે.

આ સંજોગોમાં હવે પાલિકાને આ ઉભરાતી ભૂગર્ભ ગટર અંગે કોણ દંડ આપશે ? અને પાલિકામાં ચીફ ઓફિસર તો ક્યારેય હાજર હોતા નથી. તો અમારે હવે ફરિયાદ કરવી કોને ? ભૂગર્ભ ગટરની યોગ્ય સફાઈ ન કરવાના કારણે આ ગટરની સમસ્યા ઉભી થાય છે. સતત ગટર ઉભરાવવાથી અમારી દુકાને કોઈ ગ્રાહક પણ નથી આવતા અને ગટરના કારણે રોડ પર પણ ખાડા પડી જાય છે. જેથી એ ખાડામાં ગટરનું પાણી ભરાઈ રહેતા અનેક વાહન ચાલકો તેમાં ખાબકે છે.

- text

વેપારીઓએ આરોપ લગાવતા કહ્યું હતું કે, આ ગંભીર બાબતે અનેક રજુઆત છતાં પાલિકાએ કોઈ ધ્યાન ન આપતા અંતે આજે અમો વેપારીઓને જાતે ખાડા બુર્યા છે. હવે અમે પાલિકામાં ફરિયાદો કરીને થાક્યા હવે કલેક્ટરને ફરિયાદ કરીશું તેવું અંતમાં વેપારીઓએ જણાવ્યું હતું.

- text