મોરબી પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા વધુ એક નાટક : રોજમદારોને જવાબદારી આપી

- text


સઘન સફાઇને બદલે સઘન સુપરવિઝન કરાવી શહેરને સ્વચ્છ બનાવવાનું દિવાસ્વપ્ન જોતા ચીફ ઓફિસર

મોરબી : ચોતરફ ઉભરાતી ભૂગર્ભ ગટરો અને ધૂળની ડમરીઓનો પ્રશ્ન કાયમી ઉકેલવાને બદલે મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા નવો અખતરો શરૂ કર્યો છે જેમાં રોજમદાર કર્મચારીઓને તમામ વોર્ડમાં સઘન સુપરવિઝન કરી સફાઈ વ્યવસ્થાને મજબૂત બનાવવા પ્રયાસ શરૂ કર્યા છે ત્યારે ચીફ ઓફિસરનું દિવાસ્વપ્ન કેટલું સફળ બને છે તે આવનારો સમય બતાવશે.

સીરામીક સીટી મોરબીમાં પાલિકાની લાપરવાહ નીતિને કારણે જુના અને નવા મોરબી શહેરમાં સફાઈનો પ્રશ્ન ખુબ જ ગંભીર બન્યો છે, ખાસ કરીને કાયમી સફાઈ કર્મચારીઓની ઘટને કારણે અનેક વિસ્તારોમાં નિયમિત સફાઈ થતી નથી ત્યારે અગાઉ જિલ્લા કલેકટર દ્વારા તલાટી કમ મંત્રીઓ અને નાયબ મામલતદારોની ફૌજને મેદાને ઉતારી સફાઈ વ્યવસ્થા મજબૂત કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ સફાઈની સ્થિતિ જૈસે થે જેવી જ રહેવા પામી હતી.

બીજી તરફ મોરબી શહેરની શાન સમા નગરદરવાજા ચોકમાં ઉભરાતી ગટર અને કચરાના ઢગલાઓ વચ્ચે શહેરના અન્ય વિસ્તારમાં નિયમિત સફાઈની વાત કરવી જ અસ્થાને છે ત્યારે નગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરે ફરી પાલિકાના 13 રોજમદાર કર્મચારીઓને શહેરના અલગ અલગ વિસ્તારોમાં સુપર વિઝનની જવાબદારી સોંપી રોજરોજ રિપોર્ટ મોકલવા સૂચના આપી છે.

- text

જો કે તાજેતરમાં જ પાલિકાએ 15 દિવસ સુધી સફાઈ અભિયાન શરૂ કર્યું હતુ છતાં પણ શહેરની યોગ્ય સફાઈ થઇ ન હતી, શહેરના લાતી પ્લોટ, વીસીપરા, વાવડી રોડની અંદરના વિસ્તારની સોસાયટીઓ, મુન નગર, સામાકાંઠે વિસ્તારની સોસાયટીઓ, બાયપાસ પાસેની સોસાયટીઓ સહીત ઘણા બધા વિસ્તાર એવા છે કે ત્યાં ક્યારેય સફાઈ કરવામાં આવતી જ નથી. ત્યારે ચીફ ઓફિસરનું નવું ડિંડક કેટલા દિવસ ચાલુ રહે છે અને કેવું સફળ થાય છે તે જોવું રહ્યું.

- text